અક્ષયતૃતિયાના અવસરે પાલિતાણા અને મુંબઈ વચ્ચે ટ્રેન દોડાવવી જોઈએ
- દેશના વિવિધ પ્રાંતમાંથી જૈન સમાજના ભાવિકો ઉમટતા હોવાથી
- 28 અને 29 એપ્રિલે બાન્દ્રા-પાલિતાણા અને 30 મીએ પાલિતાણા-બાન્દ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવવા જૈન સમાજમાં પ્રવર્તતી માંગણી
ભાવનગર : પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણામાં આગામી અક્ષયતૃતિયાના પાવન અવસરે વર્ષીતપના પારણા હોવાથી દેશના વિવિધ પ્રાંતમાંથી જૈન સમાજના ૨૦,૦૦૦ જેટલા ભાવિકો પાલિતાણા આવશે. આથી ભાવનગર અને મુંબઈ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવા જૈન સમાજમાં માંગ પ્રવર્તી રહી છે.
ભાવનગર જૈન સમાજના અગ્રણી હેતલભાઇ શાહે જણાવ્યું હતું કે, પાલિતાણામાં અક્ષયતૃતિયાના પાવન પ્રસંગે ૧૬૦૦થી ૧૭૦૦ પારણાનું આયોજન છે. જેના અનુસંધાને અંદાજે ૨૦ હજાર જેટલા ભાવિકોનું દેશના વિવિધ પ્રાંતમાંથી પાલિતાણામાં આગમન થવાની શક્યતા છે. આથી યાત્રીઓના પ્રવાહને અનુલક્ષીને રેલવે પ્રશાસન દ્વારા વિશેષ ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી જૈન સમાજમાં માંગ પ્રવર્તી રહી છે. જે મુજબ આગામી તા. ૨૮ અને ૨૯ એપ્રિલે બાન્દ્રા-પાલિતાણા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે અને તા. ૩૦ એપ્રિલે બપોર પછી પાલિતાણા-બાન્દ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે તો યાત્રીઓને આવન-જાવનમાં સરળતા પ્રાપ્ત થાય.
આ સંદર્ભે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા રેલવે પ્રશાસનને ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
વૈશાખ વદ છઠના સાલગીરી મહોત્સવ પ્રસંગે વિશેષ ટ્રેન સુવિધા આપવા માંગ
પવિત્ર જૈન મહાતીર્થ પાલિતાણામાં શેત્રુંજય તીર્થની ૪૯૪મી સાલગીરીના અવસરે ગિરિરાજ પરના જિનાલયોમાં ધ્વજા ચડાવવામાં આવતી હોય છે. આ વર્ષે વૈશાખ વદ છઠના અવસરે ૨૫,૦૦૦થી વધુ ભાવિકો ઉમટવાની સંભાવના હોવાથી રેલવે પ્રશાસન દ્વારા તા. ૧૭ અને ૧૮ મેના રોજ બાન્દ્રા-પાલિતાણા અને તા. ૧૯ના રોજ બપોર પછી પાલિતાણા-બાન્દ્રા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.