ફોન પર વાત કરતા ટ્રેક પર ગયો અને ટ્રેનની અડફેટે યુવાનનું મોત
રેલવે બ્રિજ નીચે કામ પૂરું કરી યુવાન ઘેર જતો હતો અને મોત મળ્યું
વડોદરા, તા.11 શેરખી પાસેથી પસાર થતી દિલ્હી-મુંબઇ ફ્રેઇટ કોરિડોર પર ફોન પર વાતો કરતા કરતા જતા યુવાનનું માલગાડીની ટક્કરે કરૃણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના જમાનપુર ખાતેનો મૂળ વતની તારાસિંહ રામસિંહ કોરકું (ઉ.વ.૩૨) તેના મિત્રો મનસુ સુખરામ સાકડે તેમજ કુંવરસિંગ શિવરામ પાટીલ સાથે શેરખી નજીક અલંગ ચોકડી પાસે રેલવે અંડરબ્રિજ નીચે આરસીસી ગૃ કટિંગનું કામ કરવા માટે ગયા હતાં. સાંજે કામ પૂરુ કર્યા બાદ ત્રણે મિત્રો પરત પોતાની ઓરડીમાં જતા હતાં.
દરમિયાન તારાસિંહ વાત કરતો કરતો રેલવે ટ્રેક પર જતો રહ્યો હતો આ વખતે પૂરપાટ આવતી એક માલગાડીનો અવાજ નહી સંભળાતા તેને ટક્કર વાગી હતી અને ગંભીર ઇજાની હાલતમાં તેને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન હેન્ડસ ફ્રી પર વાત કરતો હશે અને ટ્રેનનો અવાજ નહી સંભળાતા આ ઘટના બની હોવી જોઇેએ.