બાઇક પરથી ફંગોળાયેલા મહિલાનાં માથા પર બસનાં વ્હીલ ફરી વળતા કરૂણ મોત
ગોંડલ હાઇવે પર ટોલનાકા નજીક રીક્ષા ચાલકે અચાનક કાવો મારતા બાઇક સ્લીપ થતા જેતપુર ખાતે ખરખરાના કામે જતા હતા ત્યારે થયેલા અકસ્માતમાં પતિને ઇજા
ગોંડલ, : ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર ટોલનાકા નજીક વહેલી સવારે સ્લીપ થયેલા બાઇક પરથી ફંગોળાયેલા મહિલાનાં માથા પર પાછળથી ધસમસતી આવી રહેલી ખાનગી બસનાં વ્હિલ ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાનાં પતિ ઇજાગ્રસ્ત બન્યાં હતા.બનાવનાં પગલે તાલુકા પોલીસ દોડી આવી હતી.અને ઇજાગ્રસ્તને ગોંડલ સારવારમાં ખસેડી મહિલાનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નાં આંબેડકર નગર માં રહેતાં પ્રવિણભાઈ કાળાભાઇ રાઠોડ (ઉ.વ૪૫) તથા તેના પત્ની રસીલાબેન (ઉ.વ.૪૦) વહેલી સવારે બાઇક પર જેતપુર ખરખરાનાં કામે જઈ રહ્યા હતા.ટોલનાકા નજીક રામદેવ હોટલ સામે આગળ જઇ રહેલી રીક્ષા ચાલકે અચાનક કાવો મારતા બાઇક સ્લીપ થતા બાઇક પર બેઠેલા પ્રવિણભાઈ તથા તેમનાં પત્ની રોડ પર ફંગોળાયા હતા.આ જ સમયે રાજકોટ તરફ થી ઉપલેટા જઇ રહેલી તીર્થ ટ્રાવેલ્સ ઉપલેટાનીબસ નાં તોતિંગ વ્હીલ રસીલાબેનનાં માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે પ્રવિણભાઈને ઇજા પંહોચી હતી.નજર સામે પત્નીનું મોત નિપજ્યું હોય પ્રવિણભાઈ હતપ્રત બન્યાં હતા. બનાવ નાં પગલે તાલુકા પોલીસ નાં જીતુભાઇ વાળા ઘટના સ્થળે દોડી આવી રસીલાબેન નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ માટે અને ઇજાગ્રસ્ત પ્રવિણભાઈ ને સારવાર માં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રવિણભાઈ કડીયાકામ કરેછે.સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હોવાનું જાણવાં મળેલ હતું.દિવાળીના સપરમા દિવસોમાં અકસ્માતની ઘટનામાં દંપતી ખંડિત થતા પરીવાર શોકમગ્ન બન્યો હતો.