Get The App

જામનગરના બુઝુર્ગના મકાનને નિશાન બનાવતા તસ્કરો : બુઝુર્ગ નિંદ્રાધીન અવસ્થામાં હતા અને 8.85 લાખનો સામાન ગાયબ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
જામનગરના બુઝુર્ગના મકાનને નિશાન બનાવતા તસ્કરો  : બુઝુર્ગ નિંદ્રાધીન અવસ્થામાં હતા અને 8.85 લાખનો સામાન ગાયબ 1 - image


Jamnagar Theft Case : જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ કે જેઓ નિંદ્રાધીન અવસ્થામાં હતા, જે દરમિયાન તેમના બાજુના રૂમમાં કોઈ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને તિજોરીમાંથી રૂપિયા ૩ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ૮.૮૫ લાખની માલમતા ઉઠાવી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા હોવાથી તેની ભાળ મેળવીને મુંબઈ ભાગ્યા હોવાનું જાણવા મળતાં તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક ઈચ્છાણી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નવનીતલાલ નવલદાસ પરમાર નામના ૮૦ વર્ષના બુઝુર્ગ કે જેઓ ગત નવમી તારીખે રાત્રિના સમયે પોતાના રૂમમાં સુતા હતા, તે દરમિયાન કોઈ તસ્કરો તેમના ઘેર ત્રાટકયા હતા, અને તેના બાજુના રૂમમાં આવેલા કબાટ ની તિજોરી નો લોક ખોલી નાખી અંદરથી રૂપિયા ૩ લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના વગેરે મળી કુલ પાંચ લાખ ૮૫ હજારની માલમત્તા ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે નવનીત લાલ  પરમાર ને જાણવા મળતાં તેમણે પોતાના ભાણેજ આનંદ કિરીટભાઈને પોતાના ઘેર બોલાવી લીધા હતા, અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ભાણેજ દ્વારા ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. 

જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એન.એ. ચાવડા અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને આસપાસના સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતાં ચાર વ્યક્તિઓ ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો, અને કેટલાક શકમંદો બાબતે તેની પૂછપરછ કરતાં ચારેય મુંબઈ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી મુંબઈ પહોંચી છે, અને તસ્કરોને પકડી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News