આણંદ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધૂમ્મસથી વાહન વ્યવહાર સ્થગિત
- ભેજનું પ્રમાણ 90 ટકા, વિઝિબિલિટી શૂન્ય
- સવારે 9 કલાક સુધી વાહનોની લાઈટો ચાલુ રાખવી પડી માવઠું થશે તો તમાકું, શાકભાજીના પાકને નુકસાનનો ભય
સતત ત્રીજા દિવસે ભેજનું પ્રમાણ ઉંચુ રહ્યું હતું. તથા પવનની ગતિ પ્રતિકલાક ૨.૬ કિ.મી. ઉત્તર તરફથી વહેવા સાથે સૂર્ય ૮.૩ કલાક પ્રકાશિત રહ્યો હતો. જેના કારણે મોટી માત્રામાં ઝાકળના લીધે હાઈવે તથા સીમ વિસ્તારમાં ઘૂમ્મસની અસર વર્તાઈ હતી.
જિલ્લાભરમાં વહેલી સવારથી જ વિઝિબિલિટી ૦ થઈ જવા પામી હતી. ધુમ્મસને કારણે જાણે વાદળોના ગોટા જમીન ઉપર ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
સવારના ૯ વાગ્યા સુધી પણ વાહનચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. આણંદ શહેરમાંથી પસાર થતી ટ્રેનો પણ ધુમ્મસને કારણે ધીમી ગતિથી ચાલતી હોવાથી નિર્ધારિત સમયથી મોડી આવી હતી. જ્યારે તમામ એસટી મથકોમાં બસોના રૂટ પણ સમયસર ઉપાડવામાં નહીં આવતા મુસાફરોને હાલાકી પડી હતી. જ્યારે જિલ્લાના રસ્તાઓ ઉપર વાહનની લાઈટ ચાલુ રાખીને ધીમી ગતિથી દોડાવતા જોવા મળ્યા હતા. આણંદની ગણેશ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાલેજ ચોકડી, જનતા ચોકડીએ ધૂમ્મસને લીધે ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ ધૂમ્મસના કારણે હાલ ખેતીમાં કોઈ નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પરંતુ, બે દિવસથી વાદળછાયું આકાશ હોવાથી ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે. છતાં હવે વાદળને લીધે માવઠું થવાની સંભાવનાઓને કારણે જો વધુ મોટા પ્રમાણમાં વરસાદ પડે તો તમાકુ અને શાકભાજી તથા બટાકાના વાવેતર ઉપર નુકસાન થાય તેવી સંભાવનાઓ છે.
ખેડા શહેરમાં બપોરે 12 વાગ્યે પણ વાતાવરણ ધૂંધળું રહ્યું
ખેડાઃ ખેડા શહેરમાં સવારથી જ ધૂમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરે ૧૨ વાગ્યે સૂર્ય માથે ચઢી આવ્યો ત્યારે, તડકો નહીં માત્ર ધૂંધળો ઉજાસ છવાયેલો દેખાતો હતો. રવિવારે માહોલ ઠંડો નહીં પરંતુ, કોલ્ડવેવ અને વરસાદી આભાનું વાતાવરણ દિવસભર રહ્યું હતું. લાલ દરવાજા ખેડા ટાઉનની અંદર અને બહાર ધૂમ્મસની ચાદર પથરાયેલી રહી હતી.