વડોદરામાં સોમા તળાવ પાસે ડમ્પર ફરી વળતા ટ્રાફિક પોલીસના સગીર પુત્રનું મોત
Vadodara Accident : વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એસએસવી શાળા પાસે ગતરાત્રે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગીરનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતક વડોદરા ટ્રાફીક પોલીસમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ડમ્પર ચાલકે 30 ફૂટ જેટલી બાઇક ઢસડી હતી. દરમિયાન ડમ્પર યુવક પર ફરી વળતા તેનું શરીર ફાડીને અવશેષો રસ્તા પર વિખેરાયા હતા. ઘટના બાદ ડમ્પર તથા અન્ય ભારદારી વાહનો યમરાજ બનીને રોડ પર ફરી રહ્યા હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. હવે બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા માટે શું પગલાં લેવાય છે? તે જોવું રહ્યું.
કપુરાઇ પોલીસ મથકમાં ખુલજી ગજુભાઇ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખીલ અને જયંત, બે પુત્રો છે. ગતરાત્રે 9 વાગ્યે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ત્યાં ગયા હતા. દરમિયાન તેમના પત્નીના મોબાઇલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, પુત્ર જયંતનો એસએસવી સ્કુલની પાસે અકસ્માત થયો છે. તેઓ તુરંત ઘટના સ્થળે દોડીને પહોંચ્યા હતા.
ત્યાં જઇને જોતા ટોળું એકત્ર થઇ ગયું હતું અને તેમને પુત્ર જયંત રસ્તા પર ઉંધા મોઢે પડ્યો હતો. તેના શરીરનો કેટલોક ભાગ ફાડીને બહાર નીકળી આવ્યો હતો. તેની પાસે ડમ્પર ઉભુ હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિકો પાસેથી તેમણે જાણ્યું કે, ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું. છતાં ચાલકે ડમ્પર ઉભુ રાખ્યું ન હતું અને બાઇકને 30 ફુટ દુર ઘસડી હતી. ડમ્પર ચાલક દારૂ પીધેલો હતો. ઘટનામાં કાર્તિક મહેન્દ્ર શર્માને પણ ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ કાર્તિક શર્માને મળવા ખાનગી હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યાં જાણ્યું કે, બંને બાઇક પર સોમાતલાલ ખાતે આવેલી ઝેરોક્ષની દુકાનમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ડમ્પરે ટક્કર મારતા બાઇક સાથે તેઓ નીચે પછડાયા હતા. જયંતની કમરના ભાગેથી ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માતમાં તેઓ બાઇક પરથી ફંગોળાઇ ગયા હતા. લોકોએ બુમાબુમ કરી છતાં ડમ્પર ચાલકે બાઇકને ઢસડી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરોક્ત મામલે અજાણ્યા ડમ્પર ચાલક સામે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.