ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે ૫૦ હજારની લાંચ માંગી : વિજીલન્સ તપાસની માંગણી
વેપારીને લેવા માટે આવેલો ડ્રાઇવર કાર લઇને ઉભો રહ્યો અને ટ્રાફિક એ.સી.પી.એ કાર કબજે લેવાની વાત કરી
વડોદરા,ટ્રાફિક એ.સી.પી.ના કોન્સ્ટેબલ દ્વારા ૫૦ હજારની લાંચ કાર કબજે નહીં કરવા માટે માંગવામાં આવી હોવાના આક્ષેપ શહેરના એક બિઝનેસમેન અને જાણીતા ગરબા આયોજકે કર્યા છે. તેમજ એ.સી.પી. સામે વિજીલન્સ તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર ડો.જયેશ ઠક્કરે પોલીસ કમિશનર કચેરીમાં ટ્રાફિક એ.સી.પી. ડી.એમ. વ્યાસ સામે અરજી આપી જણાવ્યું છે કે, ગત ૩ જી તારીખે અમારે ફેક્ટરી પર જવાનું હોઇ ડ્રાઇવર અલી મોહંમદભાઇ શેખને કાર લઇને સયાજીગંજ ગાલવ ચેમ્બર્સ ખાતે બોલાવ્યો હતો. હું પણ ડ્રાઇવરની રાહ જોઇને ઓફિસની નીચે ઉભો હતો. ડ્રાઇવરે અમારી ઓફિસની નીચે મને બેસાડવા માટે કાર ઉભી રાખી હતી. ત્યાંથી એ.સી.પી. ડી.એમ. વ્યાસ તેમના સ્ટાફ સાથે સરકારી ગાડીમાં જતા હતા. અચાનક અમારી કારની આગળ તેમની ગાડી ઉભી કરી દીધી હતી. ગાડીમાંથી એક કોન્સ્ટેબલે નીચે ઉતરીને અમારી પાસે આવીને કહ્યું કે, તમારી કાર જમા કરવાની છે. તમારી કાર રસ્તા વચ્ચે છે. મેં જણાવ્યું કે, અમે કાર પાર્ક કરી નથી. મારે ફેક્ટરી પર જવાનું હોઇ ડ્રાઇવર કાર લઇને આવ્યો છે અને મારા બેસવા માટે કાર ઉભી રાખી છે. કોન્સ્ટેબલના કહેવાથી હું એ.સી.પી. ડી.એમ. વ્યાસની પાસે વાત કરવા ગયો હતો. મેં રજૂઆત કરી હતી કે, હું સામાજીક કાર્યકર છું. પ્રતિષ્ઠિત વેપારી છું. ડ્રાઇવર કાર લઇને મને ઓફિસ પર લેવા આવ્યો છે.હું કારમાં બેસું એટલી જ વાર તે ઉભો રહ્યો છે. રસ્તા વચ્ચે કાર પાર્ક કરવાની વાત જ નથી. મારી વાત સાંભળીને એ.સી.પી.એ કહ્યું કે, તું કોઇપણ હોય. હું કોઇ નેતા કે ચમરબંધીનું સાંભળતો નથી.
ત્યારબાદ કોન્સ્ટેબલ જબરજસ્તીથી ડ્રાઇવરની બાજુમાં બેસી ગયો હતો અને કાર જમા લેવા માટે સયાજીગંજ ઓફિસ પર લઇ આવ્યો હતો.રસ્તામાં કોન્સ્ટેબલે મારા ડ્રાઇવરને કહ્યું કે, આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરાવી આપું. તમે અમારા સાહેબને ૫૦ હજાર આપી દો. પરંતુ, લાંચના ૫૦ હજાર નહીં આપતા અમારી કાર જમા કરાવી દીધી હતી.
જયેશ ઠક્કરે કરેલા આક્ષેપો ખોટા છે : ટ્રાફિસ એ.સી.પી.
વડોદરા,કાર કબજે લેવાના વિવાદ અંગે ટ્રાફિક એ.સી.પી. ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલે ૫૦ હજાર રૃપિયા માંગ્યાની વાત તદ્દન ખોટી છે. કાર બે સેકન્ડ નહીં પણ ૧૦ મિનિટથી વધુ સમય માટે રોડ પર ઉભી રહી હતી. અમારી પાસે પુરાવા છે. રસ્તા વચ્ચે તેઓની સાથે વાતચીત ચાલતી હતી. અમારી પણ કાર રોડ પર ઉભી હતી. ટ્રાફિકમાં અડચણ ના થાય તે માટે મેં તેઓને કહ્યું કે, આપણે બંને વાહનો લઇને સયાજીગંજ ઓફિસે જતા રહીએ.