વડોદરાના અમિત નગર ચાર રસ્તે શરૂ કરાયેલું એસટી સ્ટેન્ડ માથાના દુખાવા સમાન : ખાનગી-શટલીયાનો ત્રાસ, ટ્રાફિક જામ
Vadodara : અમદાવાદ તરફ જતી એસટી બસોનું પીકઅપ સ્ટેન્ડ સમા તળાવ પાસેથી ખસેડીને ફરી એક વખત અમિત નગર ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું છે. પરંતુ એસટીની બસો અમિત નગર બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ સર્કલ પર જ ચાર રસ્તે અવારનવાર ઉભી રહી જતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા કરે છે. જોકે ખાનગી લક્ઝરી બસો પણ અમિત નગર સર્કલ પાસે જ ઉભી રહી જતી હોવાના કારણે વાહન ચાલકો ચાર રસ્તાના કારણે ગુંચવાયા કરે છે આવી જ રીતે શટલીયા વાહન ચાલકો પણ પેસેન્જર માટે આ સર્કલ પર જ અડીંગો જમાવી દેતા હોવાના કારણે ક્યારેક મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ત્રણેક વર્ષ અગાઉ વહેલી સવારે નજીકની અંબે સ્કૂલમાં યોજાયેલી સાઇકલ મેરેથોનમાં ભાગ લેવા આવી રહેલો માસુમ વિદ્યાર્થી એસટી બસ તળે કચડાઈ ગયો હોવાના કારણે તાત્કાલિક ધોરણે એસટી સ્ટેન્ડ અમિત નગરથી ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કેટલાક રાજકારણી અને કોર્પોરેટરની દરમિયાનગીરીથી એસટી બસ સ્ટેન્ડને સમા તળાવથી ફરી એક વખત ખસેડીને અમિત નગર સર્કલ પાસે લઈ આવવામાં આવ્યું છે. હવે એસ.ટી વિભાગની હાલત 'માં મને કોઠીમાંથી કાઢ' જેવી થઈ છે.
જોકે શટલીયા વાહન ચાલકો અમિત નગર ચાર રસ્તે પોતાના વાહન ગમે તેમ પાર કરીને મુસાફરોની પાછળ બૂમો પાડીને દોડતા હોય છે. જેથી અન્ય રાહોદારીઓમાં ગભરાટ ફેલાઈ જતો હોય છે. જોકે નજીકમાં જ પોલીસનો ટ્રાફિક પોઇન્ટ છે પરંતુ આ પોઇન્ટ પર કાયમી ધોરણે ટ્રાફિક બ્રિગેડ ફરજ બજાવતા હોય છે. જ્યારે દિવસમાં ત્રણ વાર હપ્તાનું રાજકારણ વસૂલ કરવા પોલીસ જીપમાં સ્ટાફ આવે છે અને ચૂપચાપ હપ્તા વસૂલ કરીને રવાના થઈ જતા હોવાની બાબતે આસપાસના દુકાનદારોમાં અવારનવાર કાનાફુસી થતી હોય છે. જોકે હવે તો એસટી વિભાગ દ્વારા અમિત નગરથી પેસેન્જરને ટિકિટ આપવા માટે પણ ખાસ કંડકટરની ગોઠણ કરી દેવાય છે. આ ઉપરાંત એસટી વિભાગની વોલ્વો બસ પણ અમિત નગર સ્ટેન્ડ પરથી જ મળતી હોવાના કારણે ટ્રાફિકમાં વધારો થયો છે. એસટીની વોલ્વો બસ પણ ટ્રાફિક સિગ્નલ પાસે જ પેસેન્જરને બેસવા માટે ઊભી રહે છે. આમ વહેલી તકે આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈને અમિત નગર એસટી સ્ટેન્ડ પીએન્ડટી કોલોની સામે કે આસપાસ કે પછી સમા તળાવ પાસે જ ફરી વખત લઈ જવાય તો રાહદારીઓ અને ચાર રસ્તાના ટ્રાફિકને ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. આ ઉપરાંત ભવિષ્યમાં થતા નાના મોટા અકસ્માત પણ નિવારી શકાશે.