રાજકોટમાં પ્રથમ દિવસે લોકો ઉમટતા કાલાવડ રોડ બ્રિજ ઉપર ટ્રાફિક જામ!
બ્રિજ સેલ્ફી પોઈન્ટ બન્યો : પોલીસ ધસી ગઈ, હાલ બ્રિજ ઉપર પણ બંદોબસ્ત રખાશે : બ્રિજના છેવાડે રસ્તાને બંધ કરી ડિવાઈડરો મુકાશે
રાજકોટ, : રાજકોટમાં ધમધમતા કાલાવડ રોડ ઉપર રૂ 129.53 કરોડના ખર્ચે બનેલો, જમીનથી 50 ફૂટ ઉંચાઈએ અને હયાત ફ્લાયઓવર ઉપરનો બ્રિજ આજે સાંજે વડાપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાતા લોકોને અઢી વર્ષથી ભોગવવી પડતી ટ્રાફિકની હાલાકીનો અંત આવ્યો હતો. આજે પ્રથમ દિવસે જ બ્રિજ પરથી માત્ર પસાર થવા નહીં પણ જોવા માટે સેલ્ફી લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે ધસી જવું પડયું હતું.
મનપા સૂત્રો અનુસાર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને બ્રિજ જાણે ફરવાનું સ્થળ હોય, સેલ્ફી પોઈન્ટ હોય તેમ ત્યાં ઉભા રહી જતા હતા જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અન્વયે આગામી રવિવાર સુધી બ્રિજ ઉપર પણ પોલીસનો બંદોબસ્ત રાખવા ડી.સી.પી.ને પત્ર લખાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના બ્રિજ ઉપર હજુ સીસીટીવી કેમેરા કે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત હોતો નથી. કારણ કે તેનો ઉપયોગ માત્ર પસાર થવા માટે જ થતો હોય છે. દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થઈને બ્રિજના છેડે લોકો ટર્ન લેતા ત્યાં પણ ટ્રાફિક જામ થયો હતો જે અન્વયે હવે બ્રિજના છેડે રામપાર્ક પાસે અને કોટેચાચોક તરફ બ્રિજના છેડે એચ.ડી.એફ.સી.બેન્ક પાસે હાલ ટર્ન લેવા માટે રસ્તો, ચોક છે ત્યાં ડિવાઈડર મુકી દેવા નિર્ણય લેવાયો છે.