ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો 10 કલાક ફસાયા
Chotila-Rajkot National Highway: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે સિક્સલેન્ડ તૈયાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા હજુ પણ યથાવત્ છે. ત્યારે આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવાર ચોટીલા નેશનલ હાઈવે પર આશરે 15 કિલોમીટર જેટલી વાહનોની લાઈન લાગી હતી. આશરે 10 કલાક સુધી વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા.
અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેનું છેલ્લા ઘણાં વર્ષોથી કામ ચાલી રહ્યું છે. જેના કારણે હાઈવે પર વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાય છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માતના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. નોંધનિય છે કે, પોલીસ વાન અને એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાય હતી.
નવો સાત કિમીનો સિક્સલેન રોડ સાંગાણી ગામ સુધી બનશે
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કૂલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે.
વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી ક્યારે મુક્તિ મળશે?
નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના કારણે ચોટીલાથી રાજકોટ જઈ રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ ક્યારે કરશે તે જોવાનું રહ્યું છે.