જામનગર શહેરમાં ટ્રાફિક જામનો સિલસિલો યથાવત: રવિવારે બપોરે નાગનાથ ગેઇટ પાસે ચક્કાજામ
જામનગર શહેરમાં ફ્લાય ઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, અને તેને લઈને કેટલાક સ્થળો પર પતરાની આડશ મૂકીને કામ ચાલુ રહ્યું છે, જે દરમિયાન સાત રસ્તા સર્કલથી નાગનાથ ગેઇટ ચોકડી સુધીના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે.
બે દિવસ પહેલાં સાત રસ્તા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ થયો હતો, અને પોલીસે કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. જે પરિસ્થિતિ રવિવારે બપોરે ફરીથી સર્જાઇ હતી. જામનગરમાં રંગમતી નદીના પટમાં રવિવારે ગુજરી બજાર ભરાય છે, અને કેટલાક ફેરિયાઓ છે કે નાગનાથ ગેઇટ ચોકડી સુધી ઊભા રહે છે, દરમિયાન બપોરે 12:30 વાગ્યાના અરસામાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. તેથી લોકોમાં ભારે દેકારો થઈ ગયો હતો.
આ ટ્રાફિક જામની વચ્ચે એક 108 નંબરની એમ્બ્યુલન્સ પણ સલવાઈ હતી, અને લોકોએ શોર બકોર કર્યો હતો.ત્યારબાદ મોડેથી ટ્રાફિક શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભારે જહેમત લઈને ધીમે ધીમે ટ્રાફિકને હળવો કર્યો હતો.નાગનાથ ગેઇટ ચોકડી પાસે ના ઓવરબ્રિજ ના કામ માટે ચોકડી નો રસ્તો જાહેરનામુ પણ બહાર પાડીને બંધ કરવામાં આવ્યો હોવાથી રસ્તો ટુંકો બની જતાં અહીં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.