વિકાસની અણધડ ગતિ: BRTS રૂટમાં રિવર્સ લેવું અસંભવ, સુરતમાં સ્પેશિયલ કોરિડોરમાં ઇલેક્ટ્રીક બસ અટકતા વાહનવ્યવહાર ખોરવાયો
Surat BRTS Bus : સુરત ડેડિકેટેડ કોરિડોરમાં તમામ ઇલેક્ટ્રિક બસ ચલાવનારું ભારતમાં પહેલું શહેર પણ પાલિકા જે ઈલેકટ્રીક બસ દોડાવે છે તેની ફીટનેસ અને મેઈન્ટેનન્સ સામે પ્રશ્નો ઉભા થયા છે. આજે સુરતના ડભોલી વિસ્તારમાં દોડતી એક ઈલેકટ્રીક બસ બંધ પડી ગઈ હતી. આ બસ બંધ હતી ત્યાં પાછળ વધુ એક બસ આવી ગઈ હતી. ત્યારબાદ આ બસને રિવર્સ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. પાછળ આવેલી બસના મુસાફરોને અન્ય બસમાં બેસાડીને ત્યારબાદ બસને મહામુસીબતે બહાર કાઢી હતી. આ જોવા માટે અનેક લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતા.
સુરતના ઓએનજીસી કોલોનીથી કોસાડ (ઈ.ડબલ્યુ.આવાસ ) 5 લોકોને વધુ સેવા મળી રહે તે માટે હાલ જ્યાં 9 મીટરની બસ ચાલી રહેલ છે તેના બદલે 12 મીટરની બસ શરૂ કરવામાં આવી છે. રૂટ પર 11 ડીઝલ અને 18 ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે તેના બદલે 34 ઇલેક્ટ્રિક બસ શરૂ થતાં સુરત ડેડિકેટેડ કોરિડોરમાં તમામ ઇલેક્ટ્રિક બસ ચલાવનારું ભારતમાં પહેલું શહેર બની ગયું છે. સુરતે આ સિદ્ધિ ગઈકાલે જ મેળવી છે પરંતુ તેના બીજા જ દિવસે એટલે કે આજે સુરતની આ સિદ્ધિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સુરતના ડભોલી વિસ્તારમાં એક બસ દોડતી હતી તે બસ એક બસ સ્ટેન્ડ નજીક અચાનક બંધ પડી ગઈ હતી. આ બસ બંધ થતાં પાછળથી અન્ય કોઈ બસ ન આવે તે માટે કોઈ કામગીરી થઈ ન હતી. ત્યારે બીઆરટીએસ રૂટમાં બંસ બંધ છે તેની માહિતિ વિના અન્ય એક બસ પ્રવેશી ગઈ હતી. આ બસ બંધ પડેલી બસની એકદમ નજીક આવી ગઈ ત્યારે ખબર પડી હતી કે આગળની બસ બંધ છે. હાલમાં આ રૂટમાં 12 મીટરની બસ કરી છે અને તેને સાંકડા રૂટમાં રિવર્સમાં લેવા માટે ભારે મુશ્કેલી પડી હતી. થોડો સમય ડ્રાઈવરે બસ રિવર્સની ટ્રાય કર્યા બાદ બસમાંથી મુસાફરોને ઉતારીને અન્ય બસમાં બેસાડી દીધા હતા.
ત્યારબાદ મહામહેનતે બસ બહાર નિકળી હતી. જોકે,આ ઘટના બાદ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ઈલેક્ટ્રીક બસનું મેઈન્ટેન્સ યોગ્ય રીતે થતું ન હોવાની ફરિયાદ થઈ રહી છે. ડેપોમાંથી બસ બહાર નિકળે તે પહેલાં બધુ ચેક કરવાનું હોય છે પરંતુ તેમાં ક્ષતિ રહી જતાં આજે એક બસ રૂટમાં જ બંધ પડી જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ જોવા માટે અનેક લોકો પણ ભેગા થઈ ગયાં હતા.