વડોદરામાં સાંજે 5.30 વાગ્યા બાદ ચાર દરવાજામાં ટ્રાફિક બંધ
Vadodara : વડોદરાના સૌથી વ્યસ્ત એવા ચાર દરવાજા વિસ્તારમાં આજે સાંજે પાંચ કલાક માટે વાહન વ્યવહાર બંધ થઈ જશે.
ચાર દરવાજા વિસ્તારમાં મોડી રાત સુધી સૌથી વધુ ટ્રાફિક ધમધમતો હોય છે. આ વિસ્તારમાં ઘડીયાળી પોળ, સોની બજાર જેવા મુખ્ય બજારો પણ આવેલા છે. સામાન્ય દિવસોમાં પણ અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે.
આજે 22મી જાન્યુઆરીએ દર વર્ષની જેમ માંડવી દરવાજા પાસે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે સાંજે સાડા પાંચ વાગ્યા બાદ ચાર દરવાજા વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવશે.
સુંદરકાંડ પૂર્ણ થાય ત્યાર પછી વાહન વ્યવહાર રાબેતા મુજબનો શરૂ કરવામાં આવશે. પોલીસે પણ આ વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.