નવરાત્રીમાં પરંપરાગત ટ્રેડીશનલ ડ્રેસ સાથે રહેણાંક સોસાયટીમાં નવ દિવસ વિવિધ ડેની ઉજવણી સાથે નવરાત્રીની ઉજવણી
- કેટલીક રહેણાંક સોસાયટીમાં દસ દિવસના ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા
- રેડ, ગ્રીન, બ્લુ, વ્હાઈટ,સહિત વિવિધ કલરના ડ્રેસ કોડ ડે સાથે ગોગલ્સ ડે, દુપટ્ટા, કોટી ડે જેવા પણ કોડ ઃ દશેરના દિવસે અનેક સોસાયટીમાં ડી જે ડે પણ ઉજવાશે
પ્રતિનિધિ દ્વારા, સુરત, મંગળવાર
નવરાત્રીના બીજા દિવસે બાદ માહોલ જામ્યો છે શહેરમાં ધંધાદારી નવરાત્રી કરતાં રહેણાંક સોસાયટીઓમાં નવરાત્રીની ઉજવણી જામી રહી છે. આ નવરાત્રીમાં રહેણાંક સોસાયટીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે એ છે કે, રહેણાંક સોસાયટીમાં ટ્રેડીશનલ ડ્રેસ સાથે દસ દિવસના ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યા છે. અને તે પ્રમાણે સોસાયટીના ખેલૈયાઓ એક સરખા કલર કોડ નો ડ્રેસ પહેરીને ગરબે ઘૂમી રહ્યા છે.
સોસાયટી ના રહીશોમાં યુનિટી બની રહે તે માટે શહેરની અનેક રહેણાંક સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોસાયટીમાં ઉજવાતા આ સમૂહના તહેવારોના કારણે સોસાયટીના યંગસ્ટર્સ કે મહિલાઓ બહાર રમવા જતા નથી અને વડિલો , બાળકો અને મહિલાઓ એક સાથે જ ગરબા રમી રહ્યાં છે. આ વર્ષે સુરતમાં અનેક રહેણાંક સોસાયટી માં નવરાત્રી દરમિયાન ટ્રેડીશનલ ડ્રેસ સાથે સાથે વિવિધ દિવસના વિવિધ કોડ જાહેર કરવામાં આવ્યા છે અને સોસાયટીના મોટા ભાગના લોકો આ જાહેર કરેલા ડ્રેસ કોડ પ્રમાણે જ ગરબામાં ઉતરે છે તેના કારણે અદભુત દ્રશ્યો સર્જાય રહ્યા છે.
આમ તો રહેણાંક સોસાયટીઓમાં ઉજવાતી નવરાત્રી માં કોઈ ડ્રેસ કોડ હોતા નથી સોસાયટીમાં ડી જે ના તાલે સોસાયટીના સભ્યો ગરબે ઘુમે છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી સોસાયટીઓમાં પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે ઘુમતા ખેલૈયાઓ નજરે પડે છે. જોકે, આ વર્ષે કેટલીક રહેણાંક સોસાયટીમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે સાથે વિવિધ કલરના ડ્રેસ કે અન્ય કોડ નક્કી કરવામાં આવ્યા છે અને તે પ્રમાણે જ ખેલૈયાઓ માતાજીની આરાધના કરી ગરબે ઘુમતા જોવા મળી રહ્યાં છે.
સોસાયટીઓમાં ઉજવાતી નવરાત્રી માં એક સરખા ડ્રેસ પહેરીને સભ્યો આવે તે માટે કેટલીક સોસાયટીએ એક દિવસ રેડ ડે, એક દિવસ બ્લુય ડે, તો એક દિવસ વ્હાઈટ કે એક દિવસ ગ્રીન ડે જાહેર કરી તે મુજબના પોશાક જાહેર કરવામા આવ્યા છે. તો વળી એક દિવસ દુપટ્ટા ડે અને એક દિવસ કોટી ડે સાથે સાથે એક દિવસ ગોગલ્સ ડે પણ જાહેર કરવામા આવ્યા છે. સોસાયટીની નવરાત્રિમાં ગરબે ઘુમતા માટે ભાગના ખેલૈયાઓ જાહેર કરેલા ડ્રેસ કોડ મુજબ ગરબા રમી રહ્યાં છે. નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ દસમા દિવસે ફાફડા જલેબી નો નાસ્તો કરીને દશેરાની રાત્રે ડી જે ડેની ઉજવણી સાથે ખેલૈયાઓ થાક ઉતારશે.