સુરતના વરાછા વિસ્તારમાં મેટ્રો અકસ્માત બાદ વેપાર-ધંધા ઠપ્પ, વળતર ન અપાતા વેપારીઓમાં આક્રોશ
Surat Metro Bridge Incident : સુરતમાં મેટ્રો અકસ્માત બાદ હવે વેપારીઓના વળતર મુદ્દે વિવાદમાં આવી છે. સુરતના વરાછા વિસ્તારના મેટ્રોના કારણે વેપાર ધંધો ઠપ્પ, વળતર ન અપાતા વેપારીઓ ધરણા પર બેઠા છે. છેલ્લા ત્રણ દિવસથી વળતરની માગણી સાથે વેપારીઓએ મોરચો માંડ્યો છે. જ્યાં સુધી મેટ્રોના અધિકારીઓ સ્થળ પર આવીને તેમની માંગણી સ્વીકારે નહીં ત્યાં સુધી તેઓ ઘરણા કરશે તેવી પણ ચીમકી આપી છે.
લંબે હનુમાન રોડ પરના કપડાના વેપારી અલ્પેશ દિયોરાએ કહ્યું હતું કે, માતાવાડી અને સેન્ટ્રલ રો-હાઉસ વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં મેટ્રોના કારણે જેમના વેપાર ધંધા બંધ છે. તેમાંથી કેટલાક વેપારીઓને મેટ્રો દ્વારા કેટલાક વેપારીઓને વળતર આપવામાં આવ્યું છે. જ્યારે અમારા જેવા અનેક વેપારીને વળતર આપવામાં આવ્યું નથી જેના કારણે અમારી હાલત ઘણી ખરાબ થઈ રહી છે.
આ ઉપરાંત વેરહાઉસ પાસે મેટ્રોની કામગીરી ચાલતી નથી ત્યાં પણ બેરીકેટ કરીને રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જે વિસ્તારમાં કામગીરી ચાલતી નથી ત્યાં બેરીકેટ ખોલી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વળતર ન આપે ત્યાં સુધી અમે નવું કામ કરવા દેવાના નથી. મેટ્રોના અધિકારીઓની બેવડી નીતિ ના કારણે અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી માંગણી કરી રહ્યાં છે પરંતુ મેટ્રોના અધિકારીને કંઈ પડી નથી. અમે આર્થિક સાથે માનસિક રીતે પણ થાકી ગયાં છે જેના કારણે અમારા ના છુટકે આ રીતે ધરણા કરવા પડી રહ્યાં છે. જો મેટ્રોના અધિકારીઓ ન આવે તો અમે વધુ આક્રમક રીતે ધરણા કરીશું.