જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓએ મ્યુનિ. કમિશનરને લખ્યો પત્ર: હોકિંગ ઝોન અમલવારીની કરી માગ
Image: Facebook
જામનગરના બર્ધન ચોક વિસ્તારના વેપારીઓએ ફૂટપાથ પર ભીડ જમાવતા ધંધાર્થીઓની સમસ્યાથી કંટાળીને જામનગર મહાનગર પાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. વેપારીઓનું કહેવું છે કે, બર્ધન ચોક, માંડવી ટાવર અને દિલીપ ઘૂઘરા વારા ચોકમાં રેંકડીઓ, પથારા, અને પૂતળાઓ ઉભા કરનારાઓને કારણે વેપારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર વેચાણ કરતાં ધંધાર્થીઓના કારણે વાહન વ્યવહારને અસર થાય છે, અને પદયાત્રીઓને પણ મુશ્કેલી પડે છે.
વેપારીઓએ પાલિકાને અપીલ કરી છે કે, હોકિંગ ઝોનની અમલવારી માટે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમનું કહેવું છે કે, પાલિકા દ્વારા જી.જી. હોસ્પિટલ સામે હોકિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બર્ધન ચોકમાં કેમ આવી કાર્યવાહી થતી નથી.? વેપારીઓએ આ અંગે પાલિકા કમિશનરને ધ્યાન દોર્યું છે અને માંગ કરી છે કે, બર્ધન ચોક વિસ્તારમાં પણ હોકિંગ ઝોન અમલવારી માટે કડક પગલાં ભરવામાં આવે.
વેપારીઓએ એમ પણ જણાવ્યું છે કે, તેઓ ઘણી વખતથી આ અંગે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. તેમનું કહેવું છે કે, પાલિકા દ્વારા ક્યારેક ક્યારેક હોકિંગ કરનારાઓને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડા સમય બાદ ફરીથી હોકિંગ શરૂ થઈ જાય છે. વેપારીઓની આ રજૂઆત બાદ પાલિકા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.