Get The App

કપડવંજની કુબેરજી મહાદેવ ચોકડીએ ખાડામાં ટ્રેક્ટર ફસાયું

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
કપડવંજની કુબેરજી મહાદેવ ચોકડીએ ખાડામાં ટ્રેક્ટર ફસાયું 1 - image


- છ કલાકે ટ્રેક્ટર બહાર કઢાયું

- પાલિકાએ પાણીની લાઈન માટે કરેલા ખોદકામમાં ટ્રેક્ટર ખૂંચ્યું : દબાણોના કારણે ટ્રાફિક સર્જાયો

કપડવંજ : કપડવંજની કુબેરજી મહાદેવ ચોકડી પર પાલિકાએ કરેલા ખોદકામના કારણે પડેલા ખાડામાં શુક્રવારે સવારે ઈંટો ભરેલું ટ્રેક્ટર ફસાયું હતું. છ કલાકની જહેમત બાદ ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું. જોકે, ટ્રેક્ટર ફસાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

કપડવંજની કુબેરજી મહાદેવ ચોકડી ઉપર પાલિકા દ્વારા પાણીની લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું છે. તે જગ્યાએ પડેલા મસમોટા ખાડામાં શુક્રવારે વહેલી સવારે ઈંટો ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. અંદાજે ૬ કલાકની જહેમત બાદ જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. સદનસીબે બનાવ દરમિયાન જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રેક્ટર ફસાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. 

નોંધનીય છે કે, કપડવંજની કુબેરજી મહાદેવ ચોકડી નજીક દાણા રોડ ઉપર કુબેરજી મહાદેવનું મંદિર, દરગાહ, હોસ્પિટલ, સોસાયટીઓ આવેલી છે. બાયપાસ રોડ હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. ત્યારે પીડબલ્યૂડી વિભાગ દાણા રોડ પરના દબાણો દૂર કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. તેમજ કપડવંજના વિવિધ વિસ્તારોમાંથી દબાણો હટાવ્યા બાદ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ લાગ્યા છે. આ અંગે પીડબલ્યૂડી વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સુનીલ કિશોરીએ જણાવ્યું હતું કે, કુબેરજી મહાદેવથી દાણા રોડ ઉપર આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. જોકે, ધાર્મિક દબાણો સિવાય દાણા રોડ સુધીના દબાણો દૂર કરવામાં આવશે. 


Google NewsGoogle News