ટીઆરપી ગેમઝોનમાં ટી.પી.ની ટોળકીએ મોટો તોડ કર્યાની શંકા

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
ટીઆરપી ગેમઝોનમાં ટી.પી.ની ટોળકીએ મોટો તોડ કર્યાની શંકા 1 - image


સાગઠીયાની કરોડોની કાળી કમાણીના ભાગીદારોના નામ પર પડદો  : અગ્નિકાંડના 40  દિવસમાં 3 સિટ,એક સત્યશોધક સમિતિની તપાસ નેતાઓ સુધી પહોંચી નથી : બધી તપાસો એક લાઈન ઉપર

 રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં મનપાની ટાઉન પ્લાનીંગ વિભાગના આસિ.એન્જિનિયરથી માંડીને ટી.પી.ઓ.સહિત ગુનેગારોને પકડવામાં આવ્યા છે ઉપરાંત ટી.પી.ના તત્કાલીન અધિકારીઓ  સામે અગ્નિકાંડ પછી ગેમઝોનના ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ્ડ કરાવવા અરજી વીસ દિવસ પહેલાની જુની તારીખમાં થયાનું બોગસ રેકોર્ડ ઉભુ કર્યાનો ગુનો પણ નોંધાયો છે ત્યારે ગેમઝોનને છાવરવા માટે ટી.પી.ની ટોળકીએ મોટી રકમનો તોડ કર્યાનું તારણ પણ નીકળે છે. જો કે હજુ પોલીસ દ્વારા કેટલી રકમનો ભ્રષ્ટાચાર કરીને ગેમઝોન ચાલવા દેવાયો તે જાહેર કરાયું નથી. 

મનસુખ સાગઠીયાને ત્યાંથી ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા રૂ।. 28 કરોડથી વધુની મત્તા કબજે થઈ છે પરંતુ, આ રકમ કેટલા દિવસની કાળી કમાણી છે અને 10 વર્ષમાં સાગઠીયાએ કેટલી રકમનો ભ્રષ્ટાચાર કર્યો અને તે નાણાં ક્યાં છે તે હજુ તપાસનો વિષય છે અથવા તો આ વિગત એ.સી.બી.ને મળી હોય તો પણ બહાર પડાઈ નથી. એવો આક્ષેપ  છે કે પકડાયેલી રકમ તો આઠ-દસ દિવસનો જ તોડ છે. 

ગંભીર વાત  એ છે કે ગુજરાતને હચમચાવનાર અગ્નિકાંડને 40 દિવસ થવા છતાં અને સાગઠીયા કે જે પદાધિકારીઓના હકુમત હેઠળ કામ કરતા હતા અને તત્કાલીન મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન, શાસકપક્ષના નેતા એ ચાર પદાધિકારીઓ અને કમિશનરે જ તેની નિમણુક કરી હતી, રાજકીય બેકીંગ વગર સાગઠીયા આટલી 'હિંમત 'ન કરે તે સામાન્ય સમજ છતાં રાજકોટ પોલીસની સિટ, સરકારની સિટ દ્વારા સાપરાધ મનુષ્યવધના ગુનામાં કે અપ્રમાણસર મિલ્કતના ગુનામાં માહિતી મેળવવા માટે પણ કોઈ પદાધિકારીની પુછપરછ કરી નથી. 

તાજેતરમાં સાગઠીયાની મિલ્કતોની તપાસ માટે રચાયેલી વધુ એક સિટ સહિત ત્રણ સિટની તપાસ અને સરકારના અશ્વીનીકુમાર સહિત આઈ.એ.એસ.અધિકારીઓની સત્ય શોધક સમિતિની તપાસ કરે છે અલગ અલગ અધિકારીઓ પણ તે એક લાઈન પર જ આગળ વધતી હોવાનુ પણ જાણવા મળ્યું છે. 

આ કારણે, પોલીસમાં જે પણ જવાબદાર જણાયા, છેલ્લે વધુ બે ઈન્સપેક્ટરો તે તમામને સસ્પેન્ડ કરીને ઘરભેગા કરાયા છે જ્યારે મનપામાં જે પણ જવાબદાર જણાયા તેમને સસ્પેન્ડ કરવા ઉપરાંત આરોપી તરીકે ધરપકડ કરીને જેલભેગા કરાયા છે. પી.ડબલ્યુ.ડી.માં પણ અધિકારીઓને ાત્ર સસ્પેન્ડ કરાયા છે. જ્યારે પોલીસ અને મ્યુનિ.કમિશનરની માત્ર બદલી કરાઈ છે. 


Google NewsGoogle News