શિવરાજપુર બીચ ઉપર પ્રવાસીઓને મારકૂટ: માથામાં પાઇપ ઝીંકી દેતા યુવાન લોહીલુહાણ
પરપ્રાંતિય પ્રવાસીઓ પાસેથી સ્કૂબા ડાઇવિંગના નામે પૈસા પડાવી લેનારા 3 સામે ફરિયાદ : સાંજનો સમય થઇ ગયો હોવા છતાં સ્કૂબા ડાઇવિંગની શા માટે હા પાડી? તેમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી
ખંભાળીયા, : દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે સ્કૂબા ડાઈવિંગ માટે આવેલા પરપ્રાંતિય પ્રવાસીઓને પૈસા લઈ, સ્કૂબા ડાઈવિંગ ન કરાવવા ઉપરાંત તેઓને માર મારવા સબબ ત્રણ શખ્સો સામે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે એક પ્રવાસી યુવાનને માથામાં પાઇપ ઝીંકી દેતા લોહી-લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના રતલામ તાલુકામાં રહેતા યશવર્ધનભાઈ યોગેન્દ્રસિંહ કુશવાહા નામના ૩૦ વર્ષના યુવાન તેમના પરિવારો - મિત્રો સાથે ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં આવ્યા હતા. ત્યારે દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે તેઓ અન્ય સાહેદો સાથે એસ્ટ્રોન સ્કૂબા ડાઈવિંગમાં સ્કૂબા કરવા માટે ગયા હતા. ગતસાંજે સ્કૂબા ડાઈવિંગ કરવા ગયેલા આ પ્રવાસીઓ પાસેથી પૈસા મેળવીને થોડીવાર બોટમાં બેસાડીને સ્કૂબા ડાઈવિંગના ત્રણ સંચાલકોએ સ્કૂબા કરાવ્યું ન હતું અને સાંજનો સમય થઈ ગયો હોવાથી સ્કૂબા બંધ થઈ ગયું હોવાથી ફરિયાદી યશવર્ધનભાઈએ આરોપીઓને કહેલ કે સાંજનો સમય થઈ ગયો હોવા છતાં પણ અમોને સ્કૂબા ડાઈવિંગ કરવાની શા માટે હા પાડી હતી? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
ઉશ્કેરાયેલા આ ત્રણ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢીને ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, એક આરોપીએ લોખંડનો પાઈપ યશવર્ધનને માથાના ભાગે ફટકારી દેતા તેને લોહી-લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આમ, આરોપીઓએ ડખ્ખો કરી, અને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે શિવરાજપુર બીચ ખાતેના એસ્ટ્રોન સ્કૂબા ડાઈવિંગના ત્રણ શખ્સો સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.