Get The App

લગ્નના બે દિવસ પછી દહેજ માટે પરિણીતા પર ત્રાસ

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
લગ્નના બે દિવસ પછી દહેજ માટે પરિણીતા પર ત્રાસ 1 - image


Image Source: Freepik

- ગોવામાં ધંધો સેટ કરવા માટે રૃપિયાની માંગણી કરતો પતિ

વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

ગોવામાં ધંધો સેટ કરવા માટે પિયરમાંથી દહેજ લઇ આવવાનું કહી પત્ની પર ત્રાસ ગુજારતા પતિ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતી આશેફાબાનુ શેખે મહિલા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ગત તા.૨૮ -૦૨ - ૨૦૨૧ ના રોજ મોહંદસમીર અબ્બાસભાઇ શેખ સાથે થયા હતા. લગ્ન પછી હું સાસરીમાં તાંદલજા વુડાના મકાનમાં રહેવા માટે ગઇ હતી. લગ્નના બે દિવસ પછી સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે મને ત્રાસ આપવાનું શરૃ કરવામાં આવ્યો હતો.મારા પતિ ગોવામાં  હોટલમાં નોકરી કરતા હતા. મારા  પતિને ગોવા જવું હોવાથી મને કહ્યું હતું કે, તારી સોનાની વસ્તુઓ મને આપ. હું વેચીને ગોવામાં ધંધો સેટ કરવા માંગુ છું. મેં તેઓને કહ્યું કે, હું મારા ભાઇને પૈસાની વ્યવસ્થા કરવા માટે કહું છું. મારી વાત સાંભળીને તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. તેઓએ મને કહ્યું કે, જો તારે મારી સાથે રહેવું હોય તો મને પૈસાની વ્યવસ્થા કરી આપ. નહીંતર તારા પિયરમાં જતી રહે.

દરમિયાન હું ગર્ભવતી થતા મારા પતિ મને  પિયરમાં મૂકીને ગોવા  જતા રહ્યા હતા. પુત્રના જન્મ પછી તેઓ માત્ર બે દિવસ મારી સાથે રહ્યા પછી ગોવા જતા રહ્યા હતા. તેઓ મને ધમકી આપી કહેતા હતા કે, છૂટાછેડા નહી આપે તો તને અને તારા છોકરાને પતાવી દઇશ. હું મારા છોકરા સાથે  હાલમાં પિયરમાં રહું છું. પોલીસ મારફતે સમાધાનના ઘણા  પ્રયાસો કર્યા હતા. પરંતુ, મારા  પતિ સમાધાન માટે ના પાડતા હતા.


Google NewsGoogle News