શિક્ષિકાનાં ચારિત્ર્ય પર શંકા કરી પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ત્રાસ
મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ પતિ સાસરિયાઓની ખોટી ચડામણીમાં આવી મારકૂટ પણ કરતો હોવાનો આક્ષેપ
રાજકોટ, : અગાઉ આલાપ ગ્રીન સિટીની પાછળ આવેલા કૈલાસધારા પાર્ક શેરી નં. 3માં રહેતા અને હાલ શિલ્પન ઓનેક્સની બાજુમાં પામ યુનિવર્સિટીમાં રહેતા અને વી.જે. મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હિનાબેન (ઉ.વ. 38)એ પતિ પરેશ, સસરા અરવિંદભાઈ વ્યાસ, દિયર વિજય અને મોટા સસરાના દીકરા સંજય નટવરભાઈ વ્યાસ સામે ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં હિનાબેને જણાવ્યું છે કે નવેક વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં. સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. છેલ્લા છ વર્ષથી સસરા, દિયર અને મોટા સસરાનો દીકરો માનસિક રીતે ત્રાસ આપતા હતા. સસરા તને રસોઇ બનાવતા આવડતી નથી, તારા બાપના ઘરેથી શું શીખીને આવ્યા છો, પહેલા ઘરમાં ધ્યાન આપો પછી નોકરીએ જજો તેવા મેણાટોણા મારી તેના માતા-પિતા સહિતના પરિવાર વિરૂધ્ધ જેમ ફાવે તેમ બોલતા હતા.
નોકરી પરથી ઘરે આવે ત્યારે બધા કામ તેના માટે રાખી મૂકતા હતા. જેઠ અને સસરાને લગ્ન કરી આવી ત્યારથી જ ગમતી ન હોવાથી પતિને એવી ચડામણી કરતા હતા કે તારી પત્ની વસ્તુ લેવાના બહાને અન્ય પુરૂષને મળવા જાય છે. મોબાઇલ પર પણ અન્ય પુરૂષ સાથે વાતચીત કરે છે. જેના કારણે પતિ બોલાચાલી કરી, ગાળો ભાંડી મારકૂટ કરતો હતો.
પિયર પક્ષના સોનાના દાગીના સસરાએ લઇ લીધા હતા. સસરા એમ પણ કહેતા કે હવે મારા દીકરા સાથે છૂટુ કરી નાખ, નહીંતર તને જાનથી મારી નાખીશ. પરંતુ પુત્રને કારણે મૂંગા મોઢે ત્રાસ સહન કરતાં હતાં. ચારેક વર્ષ પહેલા પતિ સાથે પામ યુનિવર્સિટીમાં રહેવા ગયા હતા. તેના અને પતિના જોઇન્ટ એકાઉન્ટમાંથી લોન લીધી હતી. જેના હપ્તા તે પગારમાંથી ભરતા હતા. કારના હપ્તા પણ તેના પગારમાંથી ભરતા હતા. અલગ રહેવા ગયા બાદ પતિ જ્યારે પણ સસરાના ઘરે જાય ત્યારે સસરા અને જેઠ તેના વિશે ખોટી ચડામણી કરતા હતા. પરિણામે પતિ ઘરે આવી તેના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપી, મારકૂટ કરતો હતો. જેનાથી કંટાળીને છેલ્લા દસેક દિવસથી બહેનપણીના ઘરે રહેવા જતા રહ્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.