ભરૃચમાં ધોધમાર વરસાદ ખાબકી પડતા જળબંબાકાર
બે કલાકમાં જ પાંચ ઈંચથી શહેર પાણી પાણી, હાલોલમાં પણ ભારે વરસાદ
ભરૃચ,હાલોલ,ભરૃચ જિલ્લામાં બે કલાકમાં જ પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બપોરના ત્રણ વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૃ થયો હતો, અને સતત બ કલાક વરસાદ વરસતા સમગ્ર ભરૃચ શહેર પાણી પાણી થઈ ગયું હતું.
સેવાશ્રમ રોડ, પાંચ બત્તી, દાંડીયા બજાર, કશક સર્કલ, ગાંધી બજાર, ફાટા તળાવમાં કમર અને છાતી સમા પાણી ભરાયા હતા. ભરૃચની ઈન્દિરા નગર ઝુપડપટ્ટી તેમજ અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થયું હતું. શક્તિનાથ નજીનું રેલવેનું તથા કલેકટર નજીકથી સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગ ઉપરનું રેલવેનું નાળુ વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.
માર્ગો ઉપર પાર્ક કરેલા વાહનો તણાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાતા દોઢ કિમી સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં સોમવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ધોધમાર વરસાદથી હાલોલ નગર સહિત તાલુકો જળબંબાકાર બન્ય હતો. એક કલાક સુધી ધોધમાર વરસાદથી હાલોલ પાણી પાણી થઈ ગયુ ંહતું. બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ બોમ્બે હાઉસ ત્રણ રસ્તા પાસે જ્યારે નવી શાકમાર્કેટથી કંજરી રોડ તરફ જતા માર્ગો પર ફરી એકવાર પાણી પાણી થઈ ગયું હતું અને તમામ માર્ગો પર જળબંબાકાર થઈ ગયો હતો.