Get The App

તાલાલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : હિરણ નદીમાં કાર તણાઇ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
તાલાલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : હિરણ નદીમાં કાર તણાઇ 1 - image


સૌરાષ્ટ્રમાં શ્રાવણી સરવડાં, હવે અનરાધાર મેઘમહેરની જોવાતી રાહ : આંકોલવાડી ગીર સહિતનાં ગામોમાં 3 ઇંચ, કુતિયાણા, જેતપુર, ધોરાજી અને થાનગઢમાં દોઢ ઇંચ, ચોટીલા અને ઉપલેટામાં 1 ઇંચ વરસાદ

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઇકાલથી શરૂ થયેલો શ્રાવણી સરવડાનો દોર આજે પણ યથાવત રહ્યો હતો. જો કે, વરસાદની ખેંચ વચ્ચે હવે અનરાધાર મેઘમહેરની રાહ જોવાઇ રહી છે. આજે તાલાલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીનાં ધોધમાર વરસાદથી હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને એક કાર તણાઇ હતી. સદનશીબે કોઇ જાનહાની થઇ નહોતી.

રાજકોટમાં આજે સવારથી ધૂંપછાંવનાં માહોલ બાદ બપોરે ચાર વાગ્યે રૈયા રોડ, કાલાવડ રોડ સહિતનાં વિસ્તારો કોરાધાકોડ રહ્યા હતા. પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધોરાજી અને જેતપુરમાં આજે ધોધમાર દોઢ ઇંચ તો ચોટીલા અને ઉપલેટામાં એક ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. એ જ રીતે વિંછીયા, ગારીયાધાર અને મહુવામાં આજે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મેંદરડા, રાજુલા, જસદણ, ઉપલેટા, પાલિતાણા, ખાંભા, લીંબડી, જામકંડોરણા, રાણપુર અને વલ્લભીપુરમાં પણ જોરદાર ઝાપટાએ માર્ગો પર પાણીની રેલમછેલ કરી હતી.

તાલાલા પંથકમાં લાંબી વરાપ બાદ પુન:વરસાદ નું આગમન થતાં તાલાલા પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.તાલાલા પંથકમાં આજે સવારથી ભારે ગરમી સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.બપોરે બે વાગ્યા બાદ તાલાલા શહેર તથા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ ધાવા ગીર, સાંગોદ્રા ગીર, લુશાળા ગીર અને આંકોલવાડી ગીર વિસ્તારમાં બે થી ત્રણ ઈંચ વરસ્યો હતો, જ્યારે તાલાલા શહેર તથા તાલુકાના અન્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડયો હોવાના વિવિધ ગામોમાંથી જાણવા મળે છે.

તાલાલા તાલુકામાં તથા ગીરની જંગલ ઉપરના ગામોમાં મુશળધાર વરસાદ વરસતા તાલાલા પંથકના મોટાભાગના ગામોમાં નદી નાળા છલકાઈ ગયા છે તેમજ હિરણ નદીમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.આ દરમ્યાન સાસણ રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે હિરણ નદીના બેઠા પુલ ઉપર ઈકો કારનાં માલિક બેઠા પુલ ઉપર કાર ધોતાં હતાં, આ દરમ્યાન નદીના પાણીનાં પ્રવાહમાં અચાનક વધારો થતાં ઈકો કાર હિરણ નદીના પાણીનાં વહેણમાં તણાઈ ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલી જિલ્લામાં આજે ધારીના દલખાણીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો, સાવરકુંડલાના વીજપડી સહિતનાં ગામો, ખાંભાના ઇંગોરાળા સહિતના ગામોમાં સારી મેઘમહેરથી નદી-નાળા છલકાઇ ઉઠયા હતા.


Google NewsGoogle News