આજે જૈન શ્રાવકો દ્વારા મિચ્છામિ દુક્કડમ સાથે ક્ષમાપના પર્વ ઉજવાશે
પર્વાધિરાજ પર્યુષણનો આજે અંતિમ દિન સાધુ ભગવંતો દ્વારા સવારે વ્યાખ્યાનમાં બારસાના સુત્રનું વાંચન થશે બપોરે જિનાલયોમાં સંવત્સરીનું પ્રતિક્રમણ
રાજકોટ, : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પર્વાધિરાજ પર્યુષણનું પર્વ અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. આવતીકાલ તા.૧૯નાં જૈન ઉપાશ્રયોમાં ગુરૂભગવંતો દ્વારા વ્યાખ્યાનમાં બારમા સુત્રનું વાંચન થશે. જે કલ્પસુત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. પર્વાધિરાજ પર્યુષણના અંતિમ દિને સંવત્સરીનું ક્ષમાપના પર્વ ઉજવાશે. જૈન શ્રાવકો મિચ્છામિ દુક્કડમ દ્વારા પરસપરને માફી સાથે ક્ષમાપના વ્યક્ત કરશે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી દરમિયાન જૈન દેરાસરોમાં જૈન તિર્થંકરોની દિવ્ય આંગીનાં દર્શન સાથે વિવિધ ભક્તિસભર કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. આજે પર્યુષણના સાતમાં દિવસે ગુરૂભગવંતોએ કલ્પસુત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ અને ઋષભદેવના ચરીત્ર સાથે 21 તિર્થંકરોના મહાપુરૂષોના જીવન ચરિત્રનું વર્ણન કર્યું હતું. હવે આવતીકાલે સવારે વ્યાખ્યાનમાં બારસાના સુત્રનું વાંચન થશે. તમામ ઉપાશ્રયોમાં બપોરે 3 વાગ્યે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવશે. શ્રધ્ધા - ભક્તિ સાથે આ વિધિ સંપન્ન થયા બાદ સંવત્સરી મહાપર્વ નિમિતે સૌ જૈન શ્રાવકો પરસ્પરને મિચ્છામિ દુક્કડમ કહી હૃદયપૂર્વક ક્ષમાપનાનો ભાવ વ્યક્ત કરશે.