આજે સૂર્યગ્રહણ, શનિવારી અને સર્વપિતૃ અમાસનો સંગમ, ત્રિવેણી ઘાટે ભીડ રહેશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
આજે સૂર્યગ્રહણ, શનિવારી અને સર્વપિતૃ અમાસનો સંગમ, ત્રિવેણી ઘાટે ભીડ રહેશે 1 - image


શ્રધ્ધાથી થતા શ્રાધ્ધપર્વ, પિતૃ તર્પણ સાથે પૂર્ણાહુતિ, કાલથી મંગલ કાર્યો  : સૂર્યગ્રહણ રાત્રે 8.33 એ શરૂ થનાર હોય ભારતમાં રાત્રિ હોય દેખાશે નહીં તેથી પળાશે નહીં, આ સમયે જ્યાં દિવસ હોય તે દેશોમાં દેખાશે 

રાજકોટ, : પિતૃઓનો જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય  તે ભાદરવા વદની તિથિએ સદીઓથી પરંપરાગત શ્રધ્ધા સાથે ઉજવાતા શ્રાધ્ધ પર્વની આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને તે સાથે આવતીકાલે સૂર્યગ્રહણ, શનૈશ્ચરી (શનિવારે આવતી) અમાસ  અને સર્વપિતૃ અમાસનો ત્રિવેણી સંગમ રચાયો હોય ખાસ કરીને નદીઓના ત્રિવેણી ઘાટ ઉપર તથા દામોદર કુંડ સહિત સ્થળોએ આવતીકાલે લોકો પિતૃ તર્પણ માટે ઉમટશે. 

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પિંડદાન,બ્રહ્મભોજન,તર્પણ, સ્નાન વગેરે માટે ઉમટતા  રહ્યા છે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં જે પિતૃઓની તિથિ યાદ ન હોય કે રહી ગયા હોય તે તમામનું તર્પણ આવતીકાલે થશે.  આ સાથે શનિવારી અમાસ હોય આ દિવસે ન્યાયના દેવતા શનિ દેવતાના પૂજનનો મહિમા પણ રહ્યો છે જેથી સૌરાષ્ટ્રમાં હાથલા ઉપરાંત અનેક ગામોમાં આવેલા શનિ મંદિરોએ પણ પૂજન,અર્ચન થશે. 

આવતીકાલે કંકણાકૃતિ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે પરંતુ, તે ભારતીય સમય પ્રમાણે આવતીકાલ તા.૧૪ની રાત્રે 8-33 વાગ્યે શરૂ થઈ અંગ્રેજી તારીખ મૂજબ તા. 16ની રાત્રે 1-25 વાગ્યા સુધી રહેશે પરંતુ, રાત્રિના સમયે હોવાથી ભારતમાં તે દેખાશે નહીં અને પરંપરામૂજબ ઘણા લોકો આ ગ્રહણ પાળવા નથી. આ સમયે જે દેશોમાં દિવસ હોય છે એટલે કે ભારતના સમય કરતા પાછળનો સમય હોય છે ત્યાં ગ્રહણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રમા આવે ત્યારે સૂર્ય ગ્રહણ રચાય છે. 


Google NewsGoogle News