આજે શહેર-જિલ્લામાં દેશભક્તિની ભાવના સાથે 76 મા ગણતંત્ર દિવસની ઉજવણી થશે
- 26 મી જાન્યુઆરી, 1950 માં વિશ્વનું સૌથી મોટું બંધારણ અમલ આવ્યું હતું
- અકવાડા પ્રા. શાળામાં શહેર અને સિહોરમાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, સલામી, પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે
૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશને આઝાદી તો મળી ગઈ હતી. પરંતુ કાયમી બંધારણ ન હોવાથી દેશ બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો હતો. જેથી ડો.બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ કાયમી બંધારણની રચના કરવા એક મુસદ્દા સમિતિનું ગઠન કરાયું હતું. ૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ કેટલાય વિચાર-વિમર્શ અને સુધારાઓ પછી ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત દસ્તાવેજોની બે નક પર હસ્તાક્ષર કર્યા હતા અને બે દિવસ પછી એટલે કે, વર્ષ ૧૯૫૦માં ૨૬મી જાન્યુઆરીએ વિશ્વનું સૌથી મોટું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. જેથી દર વર્ષે ૨૬મી જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક (ગણતંત્ર) દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે ૨૬મી જાન્યુઆરીને રવિવારે ભાવનગર જિલ્લામાં પણ ગણતંત્ર દિવસ ઉજવાશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ થીમ પર શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અકવાડા પ્રાથમિક શાળા ખાતે કરાશે. જેમાં કોર્પોરેશનના અધિકારી-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવશે. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સિહોરના છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાશે. સવારે ૯ કલાકે કેબિનેટ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાશે. તેમજ રાષ્ટ્રગાન, એનસીસી, હોમગાર્ડ અને પોલીસની પરેડ વગેરે કાર્યક્રમો યોજાશે. જ્યારે ભાવનગર શહેર ભાજપ દ્વારા સવારે ૧૦-૧૫ કલાકે, પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે ૮.૪૫ કલાકે રેન્જ આઇ.જી.ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
બરવાળાની ઝબુબા હાઈ.માં બોટાદ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાશે
બોટાદ જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ બરવાળામાં અમદાવાદ-ભાવનગર હાઈવે પર ઝબુબા હાઈસ્કૂલ ખાતે ઉજવાશે. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સવારે ૯ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ, ૧૦ ટેબલો પ્રસ્તુતિ, અશ્વ શો, વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાશે. ત્યારબાદ વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવશે.