ગુજરાત ક્યારેય નહી ભૂલે આજનો દિવસ: એક જ દિવસમાં 70 ઇંચ વરસાદ, 1200 લાશોને પેટ્રોલથી સળગાવવા મજબૂર બન્યા હતા લોકો
Today Shapur Flood completes 41 years: આજે બઘા વરસાદ કયારે આવે તેની રાહ જોઇ રહયા છે, ૫રંતુ આજથી 40 વર્ષ ૫હેલાં 22 જૂન 1983ના વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાપુર ગામમાં આ સમયે જ ભયંકર જળહોનારત થઈ પડી હતી, જેનાં દ્રશ્યો આજે ૫ણ એ સમયના વડિલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી ચાર નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતાં.
નદીઓ ગાંડીતૂર બનતાં જળબંબાકાર
શનિવાર- તા.22 જૂને શાપુર જળહોનારતને 41 વર્ષ પુરા થઇ રહયા છે. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું. ઓઝત, કાળવો, ઉબેણ અને મઘુવંતી નદી ગાંડીતુર બની હતી. શાપુરમાં જોતજોતામાં ગઢની રાંગથી વઘુ પાણી ભરાઇ ગયું હતું. લોકો સતત બે દિવસ સુઘી મકાનના નળિયા, છા૫રા અને વૃક્ષો ૫ર ચડીને રહયા હતાં. 48 કલાક સુઘી પાણી ભરાયેલું રહયું હતું. રેલવે લાઇન સંપૂર્ણ નાશ પામી હતી. વીજળીનો એક ૫ણ થાંભલો બચ્યો ન હતો. ટેલિફોન વ્યવહાર ખોરવાઇ ગયો હતો અને રસ્તાઓ પુરેપુરા તુટી ગયા હતાં.
7 દિવસમાં પંથક બેઠો કરવામાં આવ્યો
ચોથા દિવસે તે સમયના વડાપ્રઘાન ઇન્દીરા ગાંઘી આવી ૫હોંચ્યા હતાં, તારાજી જોઈને તે અવાચક બની ગયા હતા. સાથે સાથે રાજયના મુખ્યમંત્રી, ટોચના રાષ્ટ્રીય અને રાજયકક્ષાના નેતાઓ ૫ણ શાપુર વંથલી પંથકની મુલાકાતે આવ્યા હતાં. ફકત સાત દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોએ મુખ્ય પ્રચારક એવા સ્વ. સવજીભાઇની આગેવાની હેઠળ ૫શુઓના સડેલા અને કોહવાયેલા મૃતદેહો એકઠા કરીને અંતિમવિધિ કરી હતી. ગામમાં સાવરણા લઇને કિચડની સફાઇ કરવામાં આવી હતી.
લાકડાં ભીનાં હતાં એટલે મૃત્તદેહોને પેટ્રોલથી સળગાવવા પડયા હતા
રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અને ગુજરાત રાજ્યની આખીયે કેબીનેટ જૂનાગઢના સરકીટ હાઉસમાંથી ચાલતી હતી. તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે દિવસો સુધી શાપુર-જૂનાગઢ ખાતે મુકામ રાખ્યો હતો. ચારે બાજુ લાઇટ બંધ હતી. ફાનસ અને મીણબત્તીના પ્રકાશમાં વહિવટી તંત્ર કામ કરતું હતું. ડેડ બોડીની સંખ્યા એટલી બધી હતી કે ટાયરથી સળગાવવા પડયાં કારણ કે લાકડાં તો ભીના હતા. તે સમયે જિલ્લા કલેક્ટર હતાં મંજુલાબેન સુબ્રમણ્યમ અને સાત દિવસમાં વ્યવહાર પૂર્વવત કરાયો હતો.
અનેક લોકો ૩ દિવસ સુધી ઝાડ કે થાંભલા પર બેસી મોત સામે ઝઝૂમ્યા હતા
એમ કહેવાય છે કે 1200થી પણ વધુ માનવીઓ આ પૂર હોનારતમાં માર્યા ગયા હતા તો પશુઓના તો બેસુમાર મોત થયા હતા. ગામમાં પૂરને કારણે ચારે ય તરફ દરિયો-દરિયો હતો. દૂધ- અનાજ તો શું, લોકો પાસે પીવાનું પાણી પણ ન હતું. ત્રણ-ત્રણ દિવસ સુધી અનેક લોકો મોતની સામે ઝઝૂમતા થાંભલે કે ઝાડ ઉપર રહ્યા હતાં. કણઝા પાસેનો ડામર રોડ જેમ લોખંડનું પતરું ઉડે ને ઉખડી જાય તેમ પોપડાં સહિત આખો રોડ જ ઉડી ગયો હતો. રેલવેના પાટા દાતણની ચીરની જેમ ઉખડી ટીંગાઇ ગયા હતા.
વર્ષ 2007માં ૫ણ મિનિ હોનારતમાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા
1983ની જળ હોનારતનો ભોગ બનેલા શાપુર ખાતે 2007માં ૫ણ રિર્હસલ જોવા મળ્યુ હતું. 2007માં ચોમાસામાં તંત્ર દ્વારા કોઇ૫ણ સૂચના આપ્યા વગર એકાએક ડેમના દરવાજા ખોલી નાખતા ખાલી ૫ડેલી ઓઝત નદીનો પાળો તોડી શાપુર ગામમાં પાણી ઘૂસી ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી લોકોના ઘરમાં કેડ સમા પાણી ભરાઇ જતા માલ સામાનને ભારે નુકસાન થયું હતું તેમજ ખેતરોમાં પાક ૫ણ ઘોવાઇ ગયો હતો.