Get The App

આજે રૂપાલાના મુદ્દે ખુદ વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરે તેવી વકી

Updated: May 1st, 2024


Google NewsGoogle News
આજે રૂપાલાના મુદ્દે ખુદ વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરે તેવી વકી 1 - image


સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગરથી સૌરાષ્ટ્રની 7 બેઠકો માટે પ્રચાર કરાશેઃ ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસને મતદાનની ઝૂંબેશ રોકવા કોંગ્રેસની ઝાટકણી કઢાશે : રાષ્ટ્રહિતમાં ભાજપને મત આપવા અપીલો થાય તેવી શક્યતા 

રાજકોટ, : રાજ્યમાં પ્રથમવાર ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા,કરાવવા માટે ક્ષત્રિય સમાજનું રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે અને ભાજપના પ્રદેશ નેતાઓ આંદોલનને બેઅસર કરવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે આવતીકાલે ખુદ વડાપ્રધાન પક્ષને થઈ શકતું નુક્શાન મેનેજ કરે તેવી સંભાવના વચ્ચે નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રમાં ત્રણ સ્થળે સભાઓ ગજવશે.

જે ત્રણ સ્થળોની પસંદગી થઈ છે તેમાં સુરેન્દ્રનગરમાં બપોરે 12 વાગ્યે ત્રિમંદિર મેદાન સામે અને જામનગરમાં સાંજે 4.15 વાગ્યે પ્રદર્શન મેદાન, સાત રસ્તા પાસે સભા યોજાઈ છે તે બન્ને સ્થળો એવા છે જ્યાં ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શન વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત જુનાગઢમાં બપોરે 2.15 વાગ્યે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભા યોજાયેલ છે.  ભાજપના સૂત્રો અનુસાર (1) સુરેન્દ્રનગરથી રાજકોટ અને ભાવનગર બેઠકનો (2) જુનાગઢથી અમરેલી ,પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો (૩) જામનગરથી પોરબંદર વિધાનસભા પેટાચૂંટણીનો એમ સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠક અને 2 વિધાનસભા બેઠકનો ત્રણ સ્થળેથી પ્રચાર કરાશે અને જે તે સ્થળના ઉમેદવારોને ત્યાં પહોંચવા જણાવાયું છે. 

વડાપ્રધાનના આગમન પૂર્વે ભાજપના અનેક વિધ પ્રયાસોથી આંદોલનની આગ બુઝાવાને બદલે વધુ ભડકી છે અને ઝનુનપૂર્વક કોંગ્રેસ તરફી મતદાન કરાવવા તૈયારીઓ થઈ છે ત્યારે આવતીકાલે કોંગ્રેસની ઝાટકણી કાઢવાની સાથે ભાજપને રાષ્ટ્રહિતમાં મત આપવા અપીલો થાય તેવી શક્યતા છે. 


Google NewsGoogle News