આજે દિવાળીએ દ્વારકામાં શામળા શેઠનું સ્વરૂપ ધારણ કરી શ્રીજી બનશે વેપારી
તીર્થધામમાં તહેવારોમાં ભાવિકોનો ધસારોઃ ગેસ્ટહાઉસ, હોટલો હાઉસફુલ : શ્રીજીને સોનેરી વાઘા, સોના- ચાંદી- હિરામઢિત આભૂષણોના શણગાર કરાશેઃ હાટડી દર્શન, ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન તથા દીપમાળા દર્શન યોજાશે
દ્વારકા, : દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા દ્વારકા તીર્થધામમાં ભાવિકોનો ભારે ધસારો થતા જામપેક જેવી સ્થિતિ સર્જાઇ છે. હોટલો, ગેસ્ટ હાઉસો હાઉસફૂલ બન્યા છે. દ્વારકામાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. તા. 31ને દિવાળીએ જગત મંદિરમાં શામળા શેઠનું સ્વરૂપ ધારણ કરી શ્રીજી વેપારી બનશે. મીઠાઈઓની હાટડી ભરી ત્રાજવા-તોલા સાથે બિરાજશે. શ્રીજીને અનુપમ શૃંગાર થશે. મંદિરમાં લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન હાટડી દર્શન, દીપમાળા દર્શન યોજાશે.
આજે દ્વારકા જગત મંદિરમાં ધનતેરસની ઉજવણી થઇ હતી. શ્રીજીને લીલા વસ્ત્રો પરિધાન કરવાયા હતાં. લીલા પકવાનનો ભોગ ધરી ધન્વંતરી પૂજન કરાયું હતું. જ્યારે તા. 1ને રૂપચૌદશ તથા દિવાળી પર્વની ઉજવણી થશે. જગત મંદિરમાં દિવાળીએ હાટડી દર્શન, દિપમાલા દર્શન યોજાશે. દિવાળી પર્વ પ્રસંગે શ્રીજીને સોનેરી રંગના વાઘા સાથે સોના-ચાંદી-હિરા જડિત આભૂષણો તથા મસ્તક પર સુવર્ણ જડિત મુગટનો શણગાર થશે. નિજ મંડપમાં પૂજારી પરિવાર દ્વારા રંગોળી કરી દિપમાળા યોજાશે.
જગત મંદિરમાં દિવાળીએ દ્વારકાધીશજી ભગવાન શામળા શેઠનું સ્વરૂપ ધારણ કરી વેપારી બનશે. ઠાકોરજી તમામ પ્રકારની મીઠાઇઓની હાટડી ભરી ત્રાજવા-તોલા સાથે બિરજાશે. ચોપડા પૂજન તથા લક્ષ્મી સ્વરૂપના સોના-ચાંદીના સિક્કાનું પૂજન થશે. દિવાળીએ તા. 31નાં સવારે 5.30 વાગ્યે મંગળા આરતી તથા રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન યોજાશે. દર્શનાર્થે ભાવિકો ઉમટશે. તા. 1લી નવેમ્બરે સાંજે 5 થી 7 અન્નકૂટ દર્શન ઉત્સવ, તા. 2 નવેમ્બરે નૂતન વર્ષ તથા તા. 3ના ભાઈબીજ પર્વની જગત મંદિરમાં ઉજવણી થશે. હાલ દિવાળીના તહેવારો ચાલુ થતા દ્વારકામાં ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.