કમાટીબાગમાં શિક્ષણ સમિતિના બાળ મેળાનો આજે છેલ્લો દિવસ
વાનગી સ્પર્ધા, ટેલેન્ટ હન્ટ શો, અંતાક્ષરી અને કૌન બનેગા જ્ઞાાનપતિ શોનું આકર્ષણ રહ્યું
વડોદરા,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાવનમા બાળમેળા સયાજી કાર્નિવલનો તા.૨૬મીએ ત્રીજો અને છેલ્લો દિવસ છે. બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૧૮ બાલવાડીના ૪૦૦ ભૂલકાઓએ ભાગ લીધો હતો.
આજે 'વાનગી સ્પર્ધા' નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ શાળાએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા (બપોર)એ ''દાબેલી અને ગુલાબપાક'', દ્વિતીય ક્રમે વીર ભગતસિંહ પ્રાથમિક શાળા (બપોર)એ ''ટ્રેડિશનલ ખિચડી'' અને તૃતીય ક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હિન્દી પ્રાથમિક શાળાએ ''મિલેટ બાસ્કેટ'' બનાવી ઈનામ પ્રાપ્ત કરેલું છે.
અંતાક્ષરીમાં ૩ ટીમો પ્રેમ, પ્રેરણા અને પ્રગતિમાં ૧૧ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ''પ્રેમ'' ટીમે વિજેતા બની ઈનામ પ્રાપ્ત કર્યું હતું. ટેલેન્ટ હન્ટ શોમાં કુલ ૪૫ બાળકોએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. ''કૌન બનેગા જ્ઞાાનપતિ'' નોલેજ શોમાં શાળાના ૧૧ જ્ઞાાનપતિ બાળકોએ તેમાં ભાગ લીધો હતો. ગોવિંદરાવ મહારાજ મધ્યવર્તી પ્રાથમિક શાળાના બાળકોએ વ્યસન મુક્તિની થીમ પર આધારિત નૃત્યુ નાટિકા પ્રસ્તુત કરી હતી. પૂજ્ય વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા (સવાર)નાં બાળકોએ ભારત દેશની એકતા અને અખંડિતતા દર્શાવતી કૃતિ રજુ કરી હતી. આશરે ૩ લાખ લોકોએ બાળમેળાની મુલાકાત લીધી હતી.