આજે પોષી પુનમ, ચંદ્ર પૂર્ણ કળાએ ખિલશે : મા અંબાજીનો પ્રાગટય દિન અને માઘસ્નાન
ભાઈ-બહેનના સ્નેહની શીતળ ચાંદની વરસાવતું દિવ્ય પર્વ પૃથ્વીથી ચંદ્ર આજે 4 લાખ કિ.મી.ના અંતરે હશે, સો ટકા પ્રકાશશે : શિયાળામાં ઠંડા પાણીથી માઘ સ્નાનનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ મહત્વ
રાજકોટ, : આવતીકાલ તા. 24-1-2024 નું ખગોળશાસ્ત્ર,ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, ધર્મની દ્રષ્ટિએ અનેરૂ મહત્વ છે. કાલે સૂર્યોદય થાય છે તે દિશા પૂર્વમાં સાંજ ઢળતા જ ચંદ્રમા પૂર્ણ કળાએ ખિલી ઉઠશે જેનું દર્શન મન મોહી લેતું હોય છે. આ દિવસને પરંપરાગત રીતે ભાઈ-બહેન, ખાસ કરીને નાની ઉંમરના વીરાં અને બહેનડીના પરમપવિત્ર સ્નેહની સરવાણી વહાવતું અને ચાંદની જેવી હૈયે શીતળતા આપતું પર્વ તરીકે ઉજવાતું રહ્યું છે જે આજના મોબાઈલ યુગમાં વિસરાતું જાય છે.
આવતીકાલે પોષી પુનમની સાથે ગુજરાતમાં 51 પૈકીનું એક શક્તિપીઠ અંબાજી માતાજીનો પ્રાગટય દિવસ પણ ઉજવાય છે અને દેવી માતાને શાકંભરી દેવી પણ કહેવાય છે તેથી શાકંભરી ઉત્સવ પણ ઉજવાય છે. એટલું જ નહીં, આ દિવસે માઘ સ્નાનનો અનેરો મહિમા છે. કડકડતી ઠંડીમાં સવારે માટલાના પાણીથી સ્નાન કરાય છે. બિમાર ન હોય તેમના માટે ઠંડા પાણીથી સ્નાન ત્વચાથી માંડીને રૂધિરાભીસરણ માટે આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ મનાયું છે અને સ્નાનાગાર સંચાલકો કહે છે શિયાળામાં સવારે રોજ તરવા આવનારાનું સ્વાસ્થ્ય સારૂ જોવા મળ્યું છે.
આખો દિવસ વ્રત રાખનાર નાનકડી અને લાડલી બહેન માતાએ ઘરમાં રાંધેલા રોટલામાં છિદ્ર પાડીને તેમાંથી ચદ્ર સામે અને પછી ભાઈ સામે જુએ છે. આ વખતે માતા ભાઈને પુછે છે 'પોષી પોષી પુનમ, અગાશીએ રાંધ્યા અન્ન, ભાઈની બહેન જમે કે રમે? ' અને ભાઈ કહે છે જમે. કેટલાક ભાઈ રમે કહે તો વડીલો ટોકે છે કે આખી રાત તારે પણ સાથે રમવું પડશે અને જમવાનું નહીં મળે. આ બાળપણની દિવ્ય સંસ્કૃતિનો જેને અનુભવ થયો તે ભાઈ અને બહેન નસીબવંતા મનાય છે. ખગોળશાસ્ત્રીય દ્રષ્ટિએ આ દિવસે ચંદ્ર પૃથ્વીથી આશરે 4 કિ.મી.ના અંતરે હશે અને સૂર્યથી મેળવેલો પ્રકાશ સો ટકા પૃથ્વી સુધી પહોંચે છે. આવતીકાલનું આકાશનું દ્રશ્ય ભવ્ય અને દિવ્ય હોય છે.