આજે ભગવાન ગુરૂ દત્તાત્રેય જયંતી : ગિરનાર પર ભાવિકોનું ઘોડાપૂર ઉમટશે
દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે : દત્તાત્રેય જયંતી નિમિતે વિશેષ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો : આ વર્ષે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દત્ત ભક્તો આવશે
જૂનાગઢ, : કાલે ભગવાન ગુરૂદત્તાત્રેયની જયંતિ છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે દત્તાત્રેય જયંતિ નિમિતે હજારો ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. મંદિરના સંચાલકો દ્વારા દત્તાત્રેય જયંતિ નિમિતે વિશેષ પૂજન, અર્ચન રાખવામાં આવ્યું છે. આ વર્ષે મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દત્ત ભક્તો આવવાના હોવાનું જાણવા મળ્યું છે. ભગવાન દત્તનો વિવિધ ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે.
અવધુત યોગી દત્તાત્રેય વિષ્ણુના ર૪ અવતારોમાંના એક અવતાર ગણાય છે. તેમના માતાનું નામ અનસુયા અને પિતાનું નામ અત્રિ છે. ગિરનાર પર્વત પર પાંચમી ટુંક ગુરૂ દત્તાત્રેયની ગણાય છે. હાલ આ સ્થળે ગુરૂ દત્તાત્રેયના પગલા બિરાજમાન છે. બાવા શ્રવણનાથજીએ સંવત ૧૮રપ મહા વદ ચૌદસને દિવસે ઘંટ ચડાવ્યો હતો. આ ઉપરાંત એક અન્ય ઘંટ છે તે મોજુદ છે. જેને શ્રધ્ધાળુઓમાં વગાડવાનું અનેરૂ મહત્વ છે. દત્તાત્રેયને હિંદુઓ ભગવાન માને છે. જેમને દૈવી ત્રિમૂત બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. નાથ પરંપરામાં દત્તાત્રેયને ભગવાન શિવનું સ્વરૂપ અથવા અવતાર માનવામાં આવે છે. લાખો હિંદુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે.
ઉદ્ધવ ગીતામાં ભાગવત પુરાણમાંથી રચાયેલા ગીતમાં કૃષ્ણ દ્વારા દત્તાત્રેય વિષે એક વાર્તા ગાવામાં આવી છે, જેમાં તેમના ચોવીસ ગુરૂઓ છે. તેમાં પૃથ્વી, વાયુ, આકાશ અથવા દ્રવ્ય, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર, અજગર, કબૂતરો, દરિયો, ઉધઈ, માખી, ગોંધેલો, હાથી, રીંછ, હરણ, માછલી, બગલા, બાળક, કુવાંરિકા, ગણિકા, લુહાર, સર્પ, કરોડિયો અને ઈયળને ગણવવામાં આવી છે. અવધૂત દ્વારા પુરાણમાં વર્ણવાયેલા ગુરૂઓમાંથી દત્તાત્રેયના આ 24 ગુરૂઓ હતા. મહાસમર્થ મહા યોગી દત્તાત્રેય ભગવાને માનવે ગુરૂ અને દેવ તરીકે માન્યા અને તેના અનુયાયીઓને દત્ત સંપ્રદાયના ગણ્યા છે. આથી તેમના ભક્તો અને વિદવાનો દ્વારા દત્ત બાવની, દત્ત મહાત્મય, દત્ત ચરિત્ર, દત્ત પ્રબોધ રચવામાં આવી છે.
દત્તાત્રેય ભગવાનની મૂર્તિમાં ત્રણ મસ્તક જોવા મળે છે. તેમાં પ્રથમ બ્રહ્મા, વચ્ચે વિષ્ણુ અને અંતમાં શિવનું મુખ જોવા મળે છે. હાથમાં જુદા-જુદા આયુધો છે. દર પૂનમે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા સેંકડો ભાવિકો આવે છે. અનેક ભાવિકો વર્ષોથી દત્તાત્રેય ભગવાનની પૂનમ ભરે છે. પૂનમ આગલી રાતે આખી રાત ગિરનાર પર સતત યાત્રિકોનો પ્રવાહ ચડતો જોવા મળે છે.