યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનું સમાપન, લાખો માઈભક્તોએ કર્યા મા અંબાના દર્શન
Bhadravi Poonam Fair Ambaji : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળામાં લાખો પદયાત્રીઓ મા અંબાના દર્શન કર્યા છે. આજે (બુધવાર) યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનું સમાપન થયું છે. યાત્રાધામમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ માઈ ભક્તોની જોવા મળી હતી.
બુધવાર (18 સપ્ટેમ્બર 2024)ના રોજ સાંજે 5 કલાક સુધીમાં 32,54,225 યાત્રિકોએ મા અંબાના દર્શન કર્યા. જ્યારે ભોજન પ્રસાદ કરનારા યાત્રિકોની સંખ્યા 5,19,771 રહી. તો ચીકીના પ્રસાદ કરતા લોકોએ મોહનથાળનો પ્રસાદ વધુ ખરીદ્યો છે. સામે આવેલા આંકડા અનુસાર, મોહનથાળના 19,59,381 પેકેટ જ્યારે ચીકીના 40,065 પેકેટનું વિતરણ કરાયું છે.
નવરાત્રીમાં માં અંબાને ઘરે પધારવાનુ આમંત્રણ
આજે ભાદરવી પૂનમની ચૌદસ હોય રાજકોટનું ટ્રેડિશનલ ડ્રેસ સંઘ કે જે છેલ્લા 23 વર્ષથી 400 કિમી દૂરથી પગપાળા આવે છે તેને ભારે આકર્ષણ જણાવ્યું હતું. ત્યારબાદ જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને શક્તિ શ્રી યંત્ર અને સ્તુતિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ડ્રોનથી મંદિરના શિખર ઉપર પુષ્ટિ કરવામાં આવી હતી. અંબાજી આવતા તમામ માર્ગો પર મોટી સંખ્યામાં માઇ ભક્તો છેલ્લી ઘડીએ યાત્રાધામ અંબાજી પહોંચવાની તાલાવેલીમાં જોવા મળી હતી. વહેલી સવારથી જ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હતો.
આ પણ વાંચો: ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ, સોનાના દાનમાં પણ ધરખમ ઘટાડો
પૂનમ હોય વહેલી સવારથી જગત જનની માં અંબા ને શિખરે લાલ ધજાઓ ચઢાવવામાં આવશે. ભાદરવી પૂનમ મહા મેળા દરમિયાન વહીવટીય તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરેલ હોય યાત્રિકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. તેમજ યાત્રિકોને કોઈપણ જાતની મુશકેલીઓ પડી ન હતી. માતાજીના સરળતાથી દર્શન કરી અને પ્રસાદી પણ મેળવી શકતા હતા .
માં અંબાના મૂળ સ્થાન ગબ્બર પર્વત પર પણ યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હતો.ભાદરવી પૂનમ હોય લાખો પદયાત્રીઓ માના ચરણોમાં શિશ ઝુકાવી આગામી નવરાત્રી પર્વમાં પોતાના ગામ કે પોતાના ઘરમાં પધારવા માટે માં અંબાને આમંત્રણ આપશે. અને પોતાની સુખાકારી માટે માં અંબાને વિનવણીઓ કરશે. મંગળવારે યાત્રાધામ અંબાજી સંપૂર્ણ ભક્તિ રંગના રંગે રંગાઈ જવા પામ્યું હતું.
આ પણ વાંચો: ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું
શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ
ભાદરવી પૂનમ મહામેળામાં છઠ્ઠા દિવસે જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનના હસ્તે જય ભોલે ગ્પ અમદાવાદ દ્વારા રચિત શ્રી યંત્રની સ્તુતિ અને આઠ પ્રકારના દ્રવ્યોથી નિમત ગંધાષ્ટકમ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. ચાચર ચોકમાં સેંકડો માઈભક્તોની ઉપસ્થિતિમાં માતાજીને સ્તુતિ અને અત્તર અર્પણ કરાતાં સમગ્ર ચાચર જય અંબેના નાદથી ગુંજી ઉઠયો હતો.
માઇભકતોના કલ્યાણ અર્થે આ સ્તુતિ મા અંબાની કૃપાથી લખાઈ છે: જય ભોલે ગૃપ અમદાવાદ
શ્રી યંત્રની સ્તુતિના વિમોચન પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જય ભોલે ગ્રુપ અમદાવાદની જગદંબા પ્રત્યેની અનન્ય આસ્થાને બિરદાવી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, આ સ્તુતિથી કરોડો માઇભકતોની શ્રદ્ધા વધારે મજબૂત બનશે. સરળ સાદી ગુજરાતી ભાષામાં લખાયેલી આ સ્તુતિ ભાવિક શ્રદ્ધાળુઓની આસ્થાને નવી ઊર્જા પૂરી પાડશે. કોઈપણ શ્રી યંત્ર માટે ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સ્તુતિ છે. આદ્ય શકિત જેમાં વાસ કરે છે એવા શ્રી યંત્રની સ્તુતિથી શકિતપીઠ અંબાજી ખાતે શકિત, શ્રી યંત્ર અને સ્તુતિનો ત્રિવેણી સંગમ રચાયો છે. જે અંબાજી શકિતપીઠની આધ્યાત્મિક આસ્થાને સાંકળતી મજબૂત કડી બનશે.
માં અંબાની પ્રેરણાથી રચના થઈઃ દીપેશભાઈ પટેલ
શ્રી યંત્રની ગૂઢ અને ગુપ્ત રહસ્મય શકિતને સાદી સરળ ગુજરાતી ભાષામાં સ્તુતિ સ્વરૃપે રચવાની પ્રેરણા મા અંબાએ આપી છે. મા અંબાની અનન્ય કૃપાદ્રષ્ટિ અને પ્રેરણાથી જ આ સ્તુતિ રચાઈ છે. આ સ્તુતિ મા અંબાના કરોડો માઇભકતોના કલ્યાર્થે રચવામાં આવી છે. જેનો લાભ અસંખ્ય માઇભકતોને મળશે. શ્રી વિદ્યામાં જણાવ્યા અનુસાર આધશકિતને અષ્ટગંધનું અત્તર અતિ પ્રિય છે, તેનાથી માતાજી પ્રસન્ન રહે છે. અષ્ટગંધમાં ચંદન, અગર, કપૂર, તમાલ, જલ, કુમકુમ, ઉશિર અને કુઠ નામની સુગંધનો સમાવેશ થાય છે. માતાજી પ્રસન્ન રહે અને જગદંબાના આશીર્વાદ તમામ માઇભકતોને પ્રાપ્ત થાય એવા શુભ આશયથી અત્તર અર્પણ કર્યું છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમના મેળામાં આસ્થાને વટાવવાનો પ્રયાસ, 1.20 લાખની નકલી નોટો સાથે યુવક ઝડપાયો
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં હકડેઠઠ ભીડ જામી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે. મેળાના છઠ્ઠા અને ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંખ્યાબંધ પગપાળા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા છે. ત્યારે આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ મંગળવારે ચૌદશના દિવસે સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપારીક વસ્ત્રોમાં અંબાના ધામમાં પહોંચીને 125થી વધુ યાત્રાળુઓએ માં અંબે સમક્ષ પોતાના શીશ ઝૂકાવ્યા હતા.