ઉમેદવારો માટે આજે કતલની રાત, ચૂંટણી કર્મીઓ ઈવીએમ લઈ બૂથે જવા રવાના થશે
- ભાવનગર અને બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અંતિમ તબક્કામાં પ્રવેશ
- 10 ટકા રિઝર્વ સાથે ઈવીએમ, પોલીંગ સ્ટાફની ફાળવણી, કર્મચારીઓને કામગીરીના ઓર્ડર પણ અપાશે
ભાવનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય, ત્રણ તાલુકા પંચાયતની છ સીટ અને મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણી યોજાશે. તેમજ બોટાદ જિલ્લામાં બોટાદ ન.પા.ની મધ્યસત્ર, ગઢડા ન.પા.ની સામાન્ય, બોટાદ જિલ્લા પંચાયત અને રાણપુર તાલુકા પંચાયતની એક-એક બેઠકની પેટા ચૂંટણીનું રવિવારે મતદાન થશે. આ બન્ને જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. જેથી રાજકીય પક્ષો અને ઉમેદવારો, કાર્યકરો હવે ડોર-ટુ-ડોર પ્રચાર કરવા નીકળી પડશે. ગુ્રપ મિટીંગો, ખાટલા બેઠક, સોશિયલ મીડિયા થકી અંતિમ ઘડીનું એડીચોટીનું જોર લગાવવામાં આવશે.
જ્યારે બીજા તરફ બન્ને જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા પણ ચૂંટણીની તૈયારીઓને પૂર્ણતા તરફ લઈ જવામાં આવી રહી છે. કેવી રીતે ઈવીએમમાં વોટ કરવો ? તેનો ડેમો દેખાડવામાં આવ્યો હતો. હવે આવતીકાલે સવારે સ્ટ્રોગરૂમમાં રાખેલા ઈવીએમ, વીવીપેટ, બીયુ, સીયુ, ચૂંટણી સાહિત્ય વગેરેની ફાળવણી કરાશે. ઈવીએમમાં ખોટકો છે કે કેમ ? તેની પણ ચકાસણી કરાશે. આ ઉપરાંત ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને તેમને મતદાન મથક પરની ફરજના ઓર્ડર આપવામાં આવશે.
બોટાદ ન.પા.ની ચૂંટણીમાં ૧૦ ટકા રિઝર્વ સાથે ૮૫-૮૫ બી.યુ.-સી.યુ., ૮૫ પ્રિસાઈન્ડીંગ ઓફિસર, ૮૫ પોલીંગ ઓફિસર-૧, ૮૫ પોલીંગ ઓફિસર, ૮૫ મહિલા પોલીંગ, ૯-૯ ઝોનલ અને આસિ. ઝોનલને ફરજા સોંપવામાં આવી છે. જ્યારે ભાવનગર જિલ્લામાં ૧૦ ટકા રિઝર્વ સાથે સિહોર ન.પા.ની ચૂંટણી માટે ૧૪૦ બી.યુ. (બેલેટ યુનિટ), ૭૦ સી.યુ. (કંટ્રોલ યુનિટ), ગારિયાધાર ન.પા.ની ચૂંટણીમાં ૬૪ બી.યુ., ૩૨ સી.યુ., તળાજા ન.પા. ચૂંટણીમાં ૫૬ બી.યુ., ૨૮ સી.યુ., તળાજા તા.પં.ની ઉંચડી બેઠકની ચૂંટણી માટે ૯-૯ બી.યુ.-સી.યુ., નવા-જૂના રાજપરા સીટની ચૂંટણી માટે ૮-૮ બી.યુ.-સી.યુ., ભાવનગર (ગ્રામ્ય) તા.પં.ની લાખણકા સીટ માટે ૬-૬ બી.યુ.-સી.યુ., સિહોર તા.પં.ની વળાવડ બેઠક માટે ૯-૯ અને સોનગઢ બેઠક માટે ૬-૬ બી.યુ.-સી.યુ. તેમજ ભાવનગર મનપાના વોર્ડ નં.૩ની એક બેઠકની પેટા ચૂંટણી માટે ૮૪ બી.યુ., ૪૨ સી.યુ.ની ફાળવણી કરવામાં આવી છે.
ભાજપ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી તંત્ર દોડી ગયું
ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતા ભંગ કરવામાં આવ્યાનું ભાજપના જ પૂર્વ કન્વિનર હર્ષ ગોકલાણીએ સ્થાનિક અને રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓએ ધાર્મિક સ્થળ અને જાહેર મિલકતનો પ્રચાર માટે ઉપયોગ કરી નિયમનો ભંગ કર્યો હતો. આ ફરિયાદના આધારે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને એક સ્થળે લાગેલા ભાજપના ઉમેદવારના બેનરને ઉતાર્યાનું ચૂંટણી શાખાના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળ્યું છે. વધુમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરનાર હર્ષ ગોકલાણી વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ સુધી શહેર યુવા ભાજપમાં રોજગારી કન્વિનર તરીકે રહી ચૂક્યા છે, તેઓ બાદમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ કરી હોવાનું જણાવ્યું હતું.