સરકારે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક ચલાવવા સ્ટાફ નહીં મુકતા છાશવારે બંધ થતી કામગીરી
RTOમાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે જતા લોકોને ધક્કા : નેતાઓ ઉંઘમાં : રાજકોટમાં વધુ 2 દિવસ ટેસ્ટ ટ્રેક બંધ : રિપેર પછી સપ્તાહમાં સેન્સર બગડી જાય છે, મેઈન્ટેનન્સમાં લોલંલોલ
રાજકોટ, : આર.ટી.ઓ.માં સૌથી મહત્વની કામગીરી અને લોકો જેનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે તે ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવાનું હોય છે જે માટે તેના ટ્રેકમાં અરજદારે ટેસ્ટ આપવાનો હોય છે પરંતુ, આ ટેસ્ટ ટ્રેક ચલાવવા માટે, જાળવવા માટે સરકાર દ્વારા કોઈ ટેકનિશિયનની નિમણુક જ કરી નહીં હોવાથી થુંકના સાંધા કરીને ટ્રેક રિપેર કરાય છે અને છાશવારે બંધ પડતા હજારો લાયસન્સવાંચ્છુ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
રાજકોટમાં આજે અને આવતીકાલ માટે ફરી ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવા જાહેરાત કરાઈ છે. આવું ક્વચિત નહીં પરંતુ, વારંવાર બનવા લાગ્યું છે અને આર.ટી.ઓ.નો સંપર્ક સાધતા લાચારી વ્યક્ત કરાય છે. આવું રાજ્યમાં અન્ય સ્થળે પણ બનતું હોવાનું જાણવા મળે છે. માત્ર રાજકોટમાં રોજ ડ્રાઈવીંગ ટેસ્ટ આપવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવીને સરેરાશ 400 જેટલા નાગરિકો આવતા હોય છે જેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે.
આર.ટી.ઓ.માં એક તરફ એ.આઈ.આધારિત અદ્યતન ટેસ્ટ ટ્રેકની વાતો થાય છે, નવા આરટીઓ બિલ્ડીંગ માટે કરોડો રૂ।.ખર્ચવામાં આવ્યા છે પરંતુ, લોકોને જે સેવાઓ જોઈએ છે તેમાં ધ્યાન અપાતું નથી. આર.ટી.ઓ.માં દરેક ટેસ્ટ ટ્રેક માટે કુશળ સ્ટાફ મુકવો જરૂરી હોવા છતાં તેમાં સાત વર્ષથી સરકારી તંત્રએ ધ્યાન આપ્યું નથી.