રૂપાલા વિવાદ મામલે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સરકારની બેઠક થઈ પૂર્ણ, હર્ષ સંઘવી રહ્યા હાજર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનના કારણે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત પાડવા ફરી એકવાર ભાજપના ક્ષત્રિય આગેવાનોની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી.
ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક પૂર્ણ
ક્ષત્રિય સમાજમાં રોષને શાંત કરવા માટે ગાંધીનગરમાં મંત્રીના નિવાસસ્થાને મોટી બેઠક મળી હતી. નવ જેટલા ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી રહી હતી. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, બલવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા તેમજ મહેન્દ્રસિંહ સરવૈયા, આઈ.કે.જાડેજા પણ હાજર રહ્યા હતા. આ બેઠક સાડા ચાર કલાક સુધી ચાલી હતી. તો હવે આ બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આપવામાં આવશે. બીજી તરફ, રૂપાલા આજે સુરતમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને સમાજના લોકો હાજર રહેશે.
કમલમ હવે કરણીસેનાના નિશાના પર
ભાજપનું મુખ્યાલય કમલમ હવે કરણીસેનાના નિશાના પર છે. કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતે એલાન કર્યું છે કે, આગામી દિવસોમાં કમલમનો ઘેરાવ કરવામાં આવશે. નોંધનીય છે કે, ક્ષત્રિય મહિલાઓએ પણ કમલમ ખાતે જોહર કરવાની ચિમકી આપી હતી. જેને લઈને ગાંધીનગર પોલીસ પણ સતર્ક બની છે.