અકસ્માતમાં થયેલી ઇજાથી કંટાળીને યુવકનો આપઘાત
રિફાઇનરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો
વડોદરા,બે વર્ષ અગાઉ થયેલા અકસ્માતમાં થયેલી ઇજાથી કંટાળીને રિફાઇનરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેર નજીકના ઉંડેરા ગામે ઇશાનિયા ફ્લોરેન્ઝામાં રહેતા ૨૫ વર્ષના પ્રિતેશ ભાઉસાહેબ ગોડ મૂળ મહારાષ્ટ્રના નાસિકનો રહેવાસી છે.રિફાઇનરીમાં તે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. અહીંયા તે રૃમ પાર્ટનર સાથે રહેતો હતો. ગઈકાલે રૃમ પાર્ટનર નોકરી પરથી આવ્યો ત્યારે રૃમનો દરવાજો બંધ હતો. તેણે બૂમો પાડી છતાંય તેણે દરવાજો નહીં ખોલતા પાડોશીઓની મદદથી દરવાજો તોડી નાંખ્યો હતો. અંદર જોયું તો પ્રિતેશે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, બે વર્ષ અગાઉ પ્રિતેશને અકસ્માતમાં ઇજા થતા તેને માથામાં તકલીફ રહેતી હતી. તેનાથી કંટાળીને તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે.