આર્થિક ભીંસથી કંટાળી શિક્ષકની ઝેરી દવા પી લઇ આત્મહત્યા
- રતનપર ગામે મંદિરના બગીચામાં પગલું ભર્યું
- સામાકાંઠે આવેલી સ્કૂલમાં ફરજ બજાવવાની સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા
રાજકોટ : સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં સિલ્વર આઇકોનમાં રહેતા શિક્ષક રજનીકાંત લાલજીભાઈ કાલરિયા (ઉ.વ.૫૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રજનીકાંતભાઈ સામાકાંઠે આવેલી માસુમ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા. આજે બપોરે તેણે રતનપર ગામે આવેલા મંદિરના બગીચામાં ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં.
જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભરી લીધું છે. રજનીકાંતભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. આ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાતં સર્જાયો હતો.