પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ માતા સાથે કેનાલમાં ઝંપલાવ્યું : માતાનું મોત
પુત્રની સારવાર માટે ખર્ચેલા ૨૫ હજારની માંગણી કરી
પિયરમાં આવેલી યુવતી અને તેની માતાએ આજીજી કરી પરંતુ પુત્રને નહીં આપતા આપઘાત કરવાનું નક્કી કર્યું
ગાંધીનગર : અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી યુવતી અને તેની માતાએ પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને અડાલજ નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જોકે પાણીમાં ડૂબી જવાથી માતાનું મોત થયું હતું જ્યારે યુવતીનો બચાવ થયો હતો. હાલ આ અંગે અડાલજ પોલીસે પતિ અને ફોઈ સાસુ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના ઘાટલોડીયામા લક્ષ્મણ ગઢના ટેકરા ખાતે રહેતી પરિણીત યુવતી આરતી મહેશભાઈ
પટણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેણીના લગ્ન એક વર્ષ અગાઉ સમાજના રીત રિવાજ
મુજબ અમદાવાદ સોનીની ચાલી ખાતે રહેતા મહેશ છનાભાઈ પટણી સાથે થયા હતા. જ્યાં તે
તેના પતિ, ફોઈ સાસુ મીનાબેન પટણી અને ફુવા સસરા જયંતીભાઈ
પટણી સાથે રહેતી હતી. આ લગ્નજીવનથી તેણે એક પુત્રને જન્મ પણ આપ્યો હતો. દરમિયાનમાં
પતિ મહેશ અવારનવાર ઘરે આવીને નશો કરેલી હાલતમાં ત્રાસ આપતો હતો અને માર મારતો હતો.
જે બાબતે ફોઈ સાસુને કહેતા તેઓ મહેશનું ઉપરાણું લેતા હતા. પતિ દ્વારા અપાતા
ત્રાસથી કંટાળીને તે તેના પુત્રને લઈ ઘાટલોડિયા ખાતે પિયરમાં રહેવા માટે આવી ગઈ
હતી. આ દરમિયાન ગત છ ફેબુ્રઆરીના રોજ તેના પુત્રની તબિયત બગડતા અસારવા ખાતે
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવારનો ખર્ચ ૨૫ હજાર રૃપિયા આવ્યો
હતો. જે પતિ મહેશ દ્વારા ચૂકવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ યુવતી તેના પુત્રને
લઈને પિયરમાં આવી હતી. જોકે પતિ દ્વારા પુત્રની સારવાર માટે આપવામાં આવેલા ૨૫
હજારની માગણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો. દરમિયાનમાં ગત ૧૦ ફેબુ્રઆરીના રોજ
આરતી તેના પુત્રને લઈને હોસ્પિટલ ગઈ હતી તે દરમિયાન પતિ ત્યાં આવી ગયો હતો અને
સારવારના રૃપિયાની માંગણી કરીને પુત્રને લઈ ગયો હતો. જેથી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો
હતો પરંતુ પુત્રને આપ્યો ન હતો. યુવતી ઘરે પહોંચી હતી અને તેની માતાને જાણ કરી
હતી. જેથી તેમણે હાલ રૃપિયા નહીં હોવાથી પછીથી આપી દેવા કહ્યું હતું પરંતુ આજીજી
કરવા છતાં મહેશ પુત્રને આપવા માટે તૈયાર થયો ન હતો. જેના પગલે આરતી અને તેની માતાએ
આપઘાત કરવાનું નક્કી કર્યું હતું અને રીક્ષામાં બેસીને અડાલજ નર્મદા કેનાલ
પહોંચ્યા હતા જ્યાં બંને જણા કેનાલમાં કૂદી ગયા હતા જોકે પાણીમાં તેની માતા
ગંગાબેન ડૂબી ગયા હતા અને તેમનું મોત થયું હતું. જ્યારે યુવતીને રાહદારીઓએ બચાવી
લીધી હતી. હાલ આ ઘટના અંગે અડાલજ પોલીસે મહેશ પટણી અને તેના ફોઈ મીનાબેન પટણી સામે
આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.