બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારે ઝેર ગટગટાવી લીધું
લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ : રાજકોટનાં બન્ને વ્યાજખોરો 15 ટકા જેવું તગડું વ્યાજ વસુલી મુદ્દલની ઉઘરાણી માટે ખૂબ જ પ્રેશર કરતા હતાં
રાજકોટ, : રાજકોટનાં યુનિવર્સીટી રોડ પરના યોગેશ્વર પાર્ક શેરી નંબર-2માં રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં ગેટ નંબર-2માં સ્ટાર એજ નામનું સીએનસી પાર્ટના જોબવર્કનું ભાગીદારીમાં કારખાનું ચલાવતા રોહીત ગણેશભાઈ ચોવટીયા (ઉ.વ. 28)એ બે વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેની ફરીયાદ પરથી લોધીકા પોલીસે આરોપી અજય બટુક બામટા અને તેજશ સભાડ સામે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મુળ પડધરીનાં તરઘડી ગામનાં વતની રોહીતે ફરીયાદમાં જણાવ્યું છે કે, હજુ ગઈ તા. 1નાં રોજ તેણે જીતુ મોહન કોટડીયા સાથે ભાગીદારીમાં કારખાનું શરૂ કર્યું હતું. ત્રણેક માસ પહેલા તેણે 50,000 ની જરૂર પડતા મિત્ર અજય પાસેથી 15 ટકાના વ્યાજે પૈસા લીધા હતાં. જેનું દર મહિને રૂા. 7,500 વ્યાજ ચુકવતો હતો. આમ છતાં અજય અવાર નવાર મુદલની પઠાણી ઉઘરાણી કરતો હતો. તેના કારખાને આવી જો રૂપીયા નહી આપે તો ઘરે ઉઘરાણી કરવા આવીશ તેવી ધમકી આપતો હતો. આ ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી હતી.
એકાદ માસ પહેલા તેણે વધુ 50,000ની જરૂર પડતા તેજસ પાસેથી 15 ટકા વ્યાજે લીધા હતાં. જેનું એક માસનું વ્યાજ રૂા. 7,500 ચુકવ્યું હતું. બે અઠવાડીયા પહેલા તેજસે પણ કારખાને આવી મુદલની માંગણી કરી હતી. આ ઉપરાંત ફોન ઉપર પણ ઉઘરાણી કરતો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બન્ને આરોપીઓ વારાફરથી તેની પાસે રૂબરૂ અને ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરી ખુબજ પ્રેશર કરતા હતાં. જેનાથી કંટાળી તેને ગઈ તા. ૧૦નાં રોજ પોતાના કારખાને ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતાં. તેને કારણે તેને વધુ સારવાર માંટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હવે તેની તબીયત સારી થઈ જતાં ગઈકાલે લોધીકા પોલીસમાં જઈ બન્ને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.