Get The App

ટીપરવાન કાંડથી રાજકોટ મનપાનું મહેસૂલી બજેટ ખોરવાવાની ભીતિ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ટીપરવાન કાંડથી રાજકોટ મનપાનું મહેસૂલી બજેટ ખોરવાવાની ભીતિ 1 - image


નવા કોન્ટ્રાક્ટથી રૃા.૩૦ કરોડનો ખર્ચ ત્રણ ગણો થઈ જશે

એક જ કૌભાંડથી શહેરની દરેક મિલ્કત દીઠ રૃા.૧૦૦૦નો બોજો, વર્ષે વધારાના ૫૦-૬૦ કરોડ મનપાની તિજોરીમાંથી ચૂકવવા પડશે

રાજકોટ : રાજકોટ મહાપાલિકાના શાસકો અને અધિકારીઓની મીલીભગતથી હાલ સોલીડ વેસ્ટનું ઘરે ઘરેથી એકત્રીકરણનું વર્ષે રૃા.૩૦થી ૪૦ કરોડમાં થતું કામ રૃા.૯૦થી ૧૦૦ કરોડનો ખર્ચ થાય તે રીતે ૧૦ વર્ષ માટે આશરે રૃા.૧૧૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે તેનો આકરો બોજ હાલ જેની તૈયારીઓ શરુ થઈ છે. તે મનપાના મહેસુલી બજેટ ઉપર પડશે.

વિગત એવી છે કે સોલીડ વેસ્ટના ઘરે ઘરેથી ટીપરવાન મારફત એકત્રકરવાની હાલ ચાલતી કામગીરીમાં કહેવાતા નવા ફીચર્સ ઉમેરીને આ કામગીરીનો ખર્ચ અઢી-ત્રણ ગણો વધારી દેવાયો છે. મનપા સૂત્રો અનુસાર શહેરના ઈસ્ટઝોન અને વેસ્ટઝોન માટે વેસ્ટર્ન ઈમેજરી ટ્રાન્સકોન પ્રા.લિ.ને-મુંબઈને અને સેન્ટ્રલ ઝોન માટે ઓમ સ્વચ્છતા-વડોદરા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા સ્થાયી સમિતિ ચેરમેન જયમીન ઠાકરે ભાજપના નેતાઓના આંતરિક વિરોધને અવગણીને ઠરાવ કર્યો હતો અને બાદમાં મ્યુનિ.કમિશનર ડી.પી. દેસાઈ લાંબી રજા ઉપર ગયા અને રજામાંથી એક દિવસ પરત આવીને આ ભ્રષ્ટાચારની શંકાવાળા કોન્ટ્રાક્ટની ફાઈલ પર સહી કરી નાંખી હતી અને બાદમાં તેમની અમદાવાદ ઓડા ખાતે સરકારે બદલી કરી હતી. આ ટેન્ડરની કામગીરી કરનાર નાયબ કમિશનર અને પર્યાવરણ ઈજનેર બન્ને પણ ઈન્ચાર્જ છે.

હવે રાજકોટ મનપાનું વર્ષ  ૨૦૨૫-૨૬ના બજેટની તૈયારીઓ શરુ થઈ છે. ત્યારે તપાસ કરતા મનપાનો મહેસુલી ખર્ચ તા.૩૧ ઓક્ટોબર સુધીમાં રૃા.૬૫૦ કરોડ અને વર્ષાંતે આશરે રૃા.૮૫૦ કરોડ જેવો થવાની શક્યતા છે. આ સામે મહેસુલી આવક અગાઉ હાઉસટેક્સમાં વધારો કર્યા પછી પણ ખર્ચ જેટલી જ થાય છે.

હવે ઉપરોક્ત ટીપરવાન કાંડના કારણે સોલીડ વેસ્ટનો ખર્ચ વર્ષે રૃા.૫૦થી ૬૦ કરોડ વધી જવાનો અંદાજ છે.અગાઉ બ્રિજના કામો વધુ પડતા ઓનથી કરાયા ત્યારે મનપાની તિજોરીને અસર એટલે ન્હોતી પડી કે આ રકમ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આવી હતી. પરંતુ, આ ખર્ચ મનપાએ પોતાની આવકમાંથી કરવો પડશે. જે ખર્ચને પૂરો કરવા રસ્તા રિપેરીંગ જેવા લોકોના કામોમાં કાપ મુકાય અથવા કરબોજ વધારાય તેવી શક્યતા છે.

આ એકમાત્ર કોન્ટ્રાક્ટ કે જેમાં ભ્રષ્ટાચારની દેખીતી શંકા હોવા છતાં તેને અટકાવેલ નથી, તપાસ કરાઈ નથી અને અગાઉથી વહીવટ થઈ ગયો હોય તેમ મંજુરી આપી દેવાઈ છે ત્યારે તેના કારણે રાજકોટ મહાનગરની પ્રત્યેક મિલ્કત દીઠ આશરે રૃા.૧૦૦૦નો ખર્ચ વધી જશે. જો નવા કમિશનર અને પારદર્શક વહીટની વાતો કરતી સરકાર આ ટીપરવાન કાંડને બ્રેક લગાવે તો બજેટ લોકલક્ષી બની શકે તેમ છે પરંતુ, સરકાર અને પ્રદેશ ભાજપમાં બેઠેલા નેતાની મંજુરીથી આ થયાની ચર્ચા વચ્ચે તેવી શક્યતા ઓછી જણાય છે. 


Google NewsGoogle News