ફોટોગ્રાફીનો આલ્બમ આપીને આવતા યુવાનને કાળ ભેંટયો
જેતપુર નજીક કારચાલકે સ્કૂટરને ઠોકર મારી
એક વર્ષ પહેલાં અકસ્માતમાં પિતાનો પગ ભાંગતા પથારીવશ હોવાથી આશાસ્પદ યુવાન આધારસ્તંભ હતો, શોકનું મોજું
પ્રાપ્ત વિગત મુજબ જેતલસરના પોપટપરા વિસ્તારમાં રહેતો ખુશાલ
રાજેશભાઈ ભેડા (ઉ.વ.૨૦) જેતપુરમાં આવેલ દર્પણ સ્ટુડીયોમાં નોકરી કરતો હતો તે ગઈ
તા.૧૯ના સ્ટુડીઓમાંથી ચાંપરાજપુર ગામે ઓર્ડરનો તૈયાર થયેલ આલ્બમ આપવા માટે
સ્કૂટર લઈ ગયો હતો. ચાંપરાજપુરથી તે પરત
ફરતો હતો. ત્યારે
ચાંપરાજપુર જેતપુર રોડ પર પહોંચતા પાછળથી પુરપાટ ધસી આવેલ અજાણ્યા બોલેરો ચાલકે
હડફેટે લેતા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવારમાં
પ્રથમ જૂનાગઢ અને બાદમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન
નિવડતા ગઈકાલે તેનું મોત નિપજયું હતું.
બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી અને જરૃરી
કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલમાં ખસેડયો હતો. વધુમાં મૃતક ત્રણ ભાઈ
બહેનમાં વચેટ હતો. બનાવની કરૃણતા એ હતી કે મૃતકના પિતાનું પણ એક વર્ષ પહેલા
અકસ્માત થતા પગ ભાંગી ગયો હતો અને તે પથારીવશ થઈ ગયા છે. પરીવાર માટે મૃતક યુવાન
આધારસ્તંભ હતો. તેનું મોત થતા પરીવારમાં કલ્પાંત છવાયો હતો.