રાજકોટમાં રૂપાલાના ઘર બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, ધાનાણીએ કવિતા રચીને ફરી ભાજપ પર સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અને પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનો માટે બે હાથ જોડીને માફી માગી હતી, પરંતુ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. આ વિવાદ ધીમે-ધીમે ધીમે-ધીમે ઉગ્ર બની રહ્યો છે. શનિવારે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધતાં પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટમાં રૂપાલાના ઘર બહાર પોલીસ ગોઠવાઈ છે. આ દરમિયના કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એક કવિતા રચીને ભાજપ પર સાધ્યું નિશાન હતું.
પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતી કવિતા લખી
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભાજપ પર પ્રહાર કરતી કવિતા લખી છે. તેમણે લખ્યુ કે, 'કમલમમાં કકળાટ થઈ રહ્યો છે. રોષની આંધી હવે રાજ્યના સિમાડા વટીને રાષ્ટ્ર વ્યાપી બની રહી છે.' પરેશ ધાનાણીની આ સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું છે.
રૂપાલાના બંગલે પોલીસનો બંદોબસ્ત વધારાયો
રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં બંગલે હવે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમીન માર્ગ પરની હરિહર સોસાયટીમાં રૂપાલાનાં હંગામી બંગલે તકેદારીનાં ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવ્યાનું વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાને વાય કેટેગરીનું સુરક્ષા કવચ મળેલું છે. જેને કારણે પ્રોટોકોલ મુજબ અગાઉથી જ તે મુજબનો બંદોબસ્ત મળેલો છે પરંતુ હાલમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટીપ્પણીને લઈને તેમનાં બંગલે ચુસ્ત બંદોબસ્ત વધારાયો છે. તેમનાં બંગલે એસઆરપીનાં પાંચ જવાનોને તહેનાત કરી દેવાયા છે. જેમાંથી એક હેડ કોન્સ્ટેબલ અને ચાર કોન્સ્ટેબલ છે. એસઆરપી જવાનોની આ પાર્ટી 24 કલાક બંદોબસ્તમાં તહેનાત રહેશે.