વાઘની વસ્તી 3000, મોત માત્ર 200 સિંહની સંખ્યા 674 છતાં મોત 313
- વાઘના રખેવાળ સબળ અને સિંહના નિર્બળ ?
- મોટાભાગે જીવન એક જ પ્રકારનું
વાઘનો મૃત્યુદર માત્ર 4 ટકા અને સિંહનો મૃત્યુ દર 24 ટકા
વિસાવદર : ભારતમાં વસવાટ કરતા વાઘની થયેલી છેલ્લી વસ્તીગણતરી અંદાજ મુજબ ૩૦૦૦થી વધુ વાઘનો વસવાટ ભારતના અલગ અલગ રાજ્યોમાં છે. ૩ હજારની વસ્તી સામે માત્ર ૨૦૦ વાઘના મોત થયા છે. જ્યારે સમગ્ર એશિયાનું ઘરેણું ગણાતા એવા સિંહનો માત્ર ગીરમાં જ વસવાટ છે અને વર્ષ ૨૦૨૦માં થયેલી સિંહોની ગણતરી મુજબ ૬૭૪ સિંહ, સિંહણ અને પાઠડાઓ હોવાનો અંદાજ છે, પંરતુ છેલ્લા બે વર્ષમાં ૩૧૩ સિંહોના બે વર્ષમાં મૃત્યુ થયા છે. જેથી સિંહની રખેવાળીઓના દાવાઓ પોલમપોલ સાબિત થયા છે અને સિંહ કરતા વાઘના રખેવાળો સબળ કહી શકાય છે.
સિંહો સલામતીની ગુલબાંગો વચ્ચે ગુજરાતના સિહો સલામત અને સારો એવો સર્વાઈવલ રેશિયો છે તેવા દાવાઓ વધુ એક વાર પોકળ સાબિત થઈ રહ્યા છે. કારણ કે બિલાડી કુળના દરેક પ્રાણીઓને મોટાભાગનો સર્વાઈવલ રેશિયો એક સરખો જ હોય છે. વાઘની ૨૦૨૦માં થયેલી વસ્તી મુજબ ત્રણ હજારથી વધુ વાઘ ભારતમાં વસવાટ કરી રહ્યા છે અને તેમાંથી માત્ર ૨૦૦ જેટલા જ વાઘના બે વર્ષમાં મૃત્યુ થયા છે. જ્યારે સિંહોની વસ્તી સૌરાષ્ટ્રના આઠથી નવ જિલ્લામાં જ છે અને એ પણ ગત વર્ષે નોંધાયેલી ૬૭૪ સિંહોની વસ્તી અંદાજ છે. જેમાંથી બે વર્ષમાં અધધ ૩૧૩ સિંહોના મોત થયા હોવાનું હજુ બે દિવસ પહેલાં જ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું છે.
ભારત સરકારની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(એન.ટી.સી.એ.)ની વેબસાઈટ પર છેલ્લા બે વર્ષના આંકડા મુજબ માત્ર ૨૦૦ જેટલા જ વાઘના મોત થયા છે. વાઘની રખેવાળી કરવી એ એક પડકાર પણ છે. કારણ કે વાઘ દેશના ઘણાંખરાં રાજયોમાં વસવાટ કરી રહ્યા છે અને સિંહ તો માત્ર ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ વસવાટ કરે છે. તેમાં પણ વનવિભાગ દ્વારા વાઘની કરવામાં આવતી રખેવાળીની સામે સિંહની રખેવાળી નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. સિંહ સરક્ષણના નામે દિવસે દિવસે સરકારનો ખર્ચો વધતો જઈ રહ્યો છે. જેની સામે સિંહોના મોતનો આંક ઘટવાને બદલે સતત વધતો જઈ રહ્યો છે.
વાઘના મોતના આંકડા અને સિંહના મોતના આંકડા મુજબ ગુજરાત રાજ્યનું વનવિભાગ છેલ્લા બે વર્ષમાં સિંહોનું સંરક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ નીવડયું હોય તેવું કહેવામાં નવું નથી. વાઘનો મૃત્યુદર માત્ર ૩ થી ૪ ટકા જ કહી શકાય, જ્યારે સિંહોનો મૃત્યુદર ૨૩ થી ૨૪ ટકા જેટલો છે. બંને બિલાડી કુળના જ પ્રાણીઓ છે. મોટાભાગે તેમની રહેણી કહેણી અને જીવન સરખું જ હોય છે. માત્ર સ્વભાવ અલગ-અલગ હોય છે છતાં પણ સમગ્ર એશિયાનું ઘરેણું ગણાવી ગુજરાત સરકાર અને વન વિભાગ કોલર ઉંચો કરી રહ્યું છે. પરંતુ વાઘ અને સિંહની રખેવાળીમાં કેટલો તફાવત છે તે આંકડા જ બતાવી દે છે.
વાઘની જેમ સિંહોના મોત બાબતે પારદશતા કયારે ?
ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને તેના મોત થાય તેની તમામ વિગતો તુરંત જ જાહેર થાય છે. સરકારની સત્તાવાર વેબસાઇટ પર વાઘનું કોઈપણ વિસ્તારમાં કોઈપણ કારણથી મોત થયું હોય તો તેની તમામ વિગતો તુરંત એન.ટી.સી.એ.ની વેબસાઈટ પર મૂકવામાં આવે છે. જ્યારે સિંહોના મોત થાય ત્યારે ગુજરાતનું અને તેમાંય ખાસ કરી ગીરનું વન વિભાગ છૂપાવવામાં વધુ કામે લાગી જાય છે. વાઘના મોતની જેમ સિંહના મોતના પણ કારણો તેની સમગ્ર વિગતો વનવિભાગે વેબસાઈટ બનાવી તેના પર મૂકવી જોઈએ. પરંતુ ઉલટુ પોતાની સિદ્ધિઓ વેબસાઇટ પર મૂકે છે. વનવિભાગને તો માત્ર ઢાંકપિછોડોમાં જ રસ છે. સિંહોના મોતનો સાચો આંકડો તો દર વખતે વિધાનસભામાં જ જાહેર થાય છે ત્યારે જ સિંહ પ્રેમીઓને ખબર પડે છે કે અધધ સિંહોના મોત થઇ ચુક્યા છે.