પૂરમાં નાણાની સહાય કરતી ટોળકી હવે વડોદરામાં સક્રિય : નુકસાની પેટે 5 હજાર અપાવવાની લાલચે નાગરિકોના બેંક એકાઉન્ટની પૂછપરછ
Vadodara Flood : પૂરમાં પરિવાર દીઠ રૂ.5,000 સુધીની આર્થિક સહાય અપાવવામાં આવશે તેમ જણાવી કેટલાક ઠગબાજોએ નાગરિકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવાનો પ્રયાસ રહ્યા છે. ત્યારે આ મામલે શહેરીજનો છેતરાય નહીં તે અંગેની તકેદારી લેવી જરૂરી બની છે.
વડોદરામા પૂર પછીની આફત બાદ આર્થિક સહાય ચૂકવવાના બહાને કેટલાક ધુતારાઓ નાગરિકોને શિકાર બનાવવા સક્રિય થયા છે. આ માટે લોકોને છેતરવા માટે વિવિધ પ્રકારના હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે એક નવી રીત તાજેતરમાં સપાટી પર આવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પત્રકાર સોસાયટી અને શ્રીરંગ સોસાયટી તથા તેની આજુબાજુ આજે મંગળવારે સવારના સમયે કેટલાક ઈસમો અહીં આવ્યા હતા. જેઓએ અહીં રહેતા નાગરિકોને "પૂરમાં તમને થયેલ નુકસાની માટે પરિવાર દીઠ રૂ.5,000 અપાવીશું અને આ માટે તમારે પરિવારના સભ્ય પૈકી કોઈના પણ બેન્ક એકાઉન્ટની વિગત અમોને આપવી પડશે" તેમ જણાવી તેમની પાસેથી બેન્ક એકાઉન્ટની વિગત અંગેની પૃચ્છા કરી હતી. સજાગ બનેલા કેટલાક નાગરિકોએ અમને કોઈ આર્થિક સહાય જોઈતી નથી, બેંક એકાઉન્ટની વિગતો આપવી નથી અને જો સહાય જોઈતી હશે તો પણ સીધી સરકારમાં રજૂઆત કરીશું તેમ જણાવી તેઓને રવાના કર્યા હતા. આ પ્રસંગે આ ઈસમની હાજરીમાં એક પાડોશીએ અન્ય પાડોશીને પણ તમારા બેંકની વિગતો આપશો નહીં તેમ કહી ચેતવ્યા હતા અને પાડોશી ધર્મ નિભાવ્યો હતો. ઘરમાં હાજર મહિલાઓએ બેંકની વિગત આપવાનો ઇનકાર કરતા ગણતરીની ક્ષણોમાં આ લોકો અહીંથી રવાના થઈ ગયા હતા. જેઓના વ્યવહાર શંકાસ્પદ હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી છેતરપિંડીના ઉદ્દેશ સાથે ફરતા આવા ઈસમોને દબોચી લેવા જોઈએ એ જનહિતમાં જરૂરી છે.