ડ્રગ્સ માટે કુખ્યાત રાંદેરમાંથી વધુ 80.14 ગ્રામ MD સાથે ત્રણ યુવાન ઝડપાયા
લબરમૂછીયો મુંબઈથી જે એમ.ડી.ડ્રગ્સ લાવતો તેમાં ક્રિસ્ટલ પદાર્થ અને મેગ્નેશીયમ સલ્ફેટ ઉમેરીને વેચવા આપતો હતો
અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામેથી બર્ગમેન મોપેડ પર જતા બે યુવાનને 53.820 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી તેમને ડ્રગ્સ છૂટક વેચવા આપનાર રાંદેરના લબરમૂછીયાના ઘરે રેડ કરી 26.320 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો
- લબરમૂછીયો મુંબઈથી જે એમ.ડી.ડ્રગ્સ લાવતો તેમાં ક્રિસ્ટલ પદાર્થ અને મેગ્નેશીયમ સલ્ફેટ ઉમેરીને વેચવા આપતો હતો
- અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામેથી બર્ગમેન મોપેડ પર જતા બે યુવાનને 53.820 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી તેમને ડ્રગ્સ છૂટક વેચવા આપનાર રાંદેરના લબરમૂછીયાના ઘરે રેડ કરી 26.320 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો
સુરત, : ફરી સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ્સ વેચાણ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચે રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામેથી બર્ગમેન મોપેડ પર જતા બે યુવાનને 53.820 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી તેમને ડ્રગ્સ છૂટક વેચવા આપનાર બે પૈકી રાંદેરના લબરમૂછીયાના ઘરે રેડ કરી 26.320 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી કુલ રૂ.9.89 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરત અને મુંબઈના ત્રણને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત શનિવારે રાત્રે 11.30 વાગ્યે રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે સર્વિસ રોડ ઉપરથી બર્ગમેન મોપેડ ( નં.જીજે-05-ટીએચ-5625 ) ઉપર જતા ફહદ સઈદ શેખ ( ઉ.વ.24, રહે.ફલેટ નં.401, હયાત રેસીડન્સી, તીનબત્તી, રાંદેર,સુરત. તથા ફલેટ નં.403, અન્ના રેસીડન્સી, તીનબત્તી, રાંદેર, સુરત ) તેમજ સાહીલ અલ્તાફ સૈયદ ( ઉ.વ.26, રહે.ફલેટ નં.401, હયાત રેસીડન્સી, તીનબત્તી રાંદેર, સુરત. તથા ફલેટ નં.501, અલ અહેમદ રેસીડન્સી, બંબાગેટ પાસે, મોરાભાગળ, રાંદેર, સુરત ) ને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.5,38,200 ની મત્તાનું 53.820 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, રોકડા રૂ.13,100, મોપેડ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.7,16,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો છૂટક વેચવા માટે તેમણે રાંદેરમાં રહેતા સોહાન હફીજુલા ખાન પાસે મંગાવતા તેણે મુનાફ સઈદ શેખને ડ્રગ્સ આપવા રાંદેર તીનબત્તી પાસે મોકલ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે સોહાન હફીજુલા ખાન અને મુનાફ સઈદ શેખને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગત સવારે રાંદેર જીમખાના રોડ શાહભાગળ ઝુપડપટ્ટી ઘર નં.3198 માં રેડ કરી ત્યાંથી સોહાન હફીજુલ્લા ખાન ( ઉ.વ.20, મુળ રહે.મિજોવડા, તા.વીટી, જી.આંબેડકર નગર, ઉત્તરપ્રદેશ ) ને ઝડપી પાડી તેની પાસેથી રૂ.2,63,200 ની મત્તાનું 26.320 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, 1840 ગ્રામ શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ, ડ્રગ્સમાં ભેળવવા માટેનો મેગ્નેશીયમ સલ્ફેટનો જથ્થો, રોકડા રૂ.4250, મોબાઈલ ફોન, ડીજીટલ વજનકાંટો વિગેરે મળી કુલ રૂ.2,72,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સ લાવીને તેમાં ક્રિસ્ટલ પદાર્થ અને મેગ્નેશીયમ સલ્ફેટ ઉમેરીને તેનું વજન વધારીને વેચે છે.જેથી વધુ નફો મેળવી શકાય.ડ્રગ્સનો જથ્થો અને મેગ્નેશીયમ સલ્ફેટના પેકેટ તેને મિત્ર મશરુર ( રહે.દો ટાંકી, ચોરબજાર, મુંબઈ ) સોનુ કુરેશી ( રહે.નાગપાડા, મુંબઈ ) પાસેથી મેળવીને સુરત આવીને આપી ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી મશરુર અને સોનુ કુરેશીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જયારે મોપેડ પર ડ્રગ્સ સાથે ઝડપાયેલા ફહદ અને સાહીલના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વાહન દલાલીનું કામ કરતા ફહદ અને સાહીલ સાળા-બનેવી છે : બે વર્ષ અગાઉ 39 ગ્રામ કોકેઈન સાથે ઝડપાયા હતા
સુરત, : ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપેલા ફહદ અને સાહીલ સાળા-બનેવી છે.બંને છેલ્લા ચાર વર્ષથી વાહન દલાલ તરીકે કામ કરે છે.ધો.10 ભણેલો ફહદ ઓનલાઈન બુટ, ચંપલનું પણ વેચાણ કરે છે.બંને વર્ષ 2022 માં પુણા પોલીસ સ્ટેશનમાં રૂ.39.10 લાખની મત્તાના 39.100 ગ્રામ કોકેઈન સાથે પણ ઝડપાયા હતા.ધો.8 ભણેલા સાહીલે વર્ષ 2019 માં તેના સાગરીતો સાથે મળી રાંદેર વિસ્તારમાં સગા કાકાની હત્યા કરી હતી.તે ગુનામાં તે છ મહિના જેલમાં રહ્યો હતો અને પાસા હેઠળ પણ સાત મહિના જેલમાં હતો.કોકેઇનના ગુનામાં તેમની સાથે ઝડપાયેલો કુખ્યાત ઈસ્માઈલ ગુર્જર મુબારક શેખ પણ સાહીલની બહેન હીનાનો પતિ છે.ઈસ્માઈલ એમ.ડી.ડ્રગ્સના ગુનામાં એટીએસના હાથે ઝડપાયો હતો.જયારે હિના વર્ષ 2023 માં રાંદેર વિસ્તારમાંથી 500 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે સુરત એસઓજીના હાથે ઝડપાઈ હતી.ધો.6 સુધી ભણેલો સોહાન અલગ અલગ જગ્યાએ ફૂટપાથ ઉપર કપડાં વેચે છે.
મુંબઈથી ડ્રગ્સ લાવી વેચાણમાં પકડાયેલા મોટાભાગના રાંદેરના
સુરત, : સુરતનો રાંદેર વિસ્તાર ડ્રગ્સ વેચાણ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે.સુરત પોલીસે વીતેલા વર્ષોમાં જુદાજુદા વિસ્તારમાંથી એમ.ડી.ડ્રગ્સ કે કોકેઈન ઝડપી પાડી તેની સાથે સંકળાયેલાઓની ધરપકડ કરી છે તેમાંથી મોટાભાગના રાંદેર અને તેની આજુબાજુના વિસ્તારના જ છે. એટલું જ નહીં રાંદેરના કોઝવે ગોરાટ રોડ પેડલર મોપેડ પર ફરી બેરોકટોક ડ્રગ્સનું પણ વેચાણ કરે છે.