Get The App

કાળમુખી ટ્રકે દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મહિલાઓને અડફેટે લીધી, ત્રણના મોત

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
Jamnagar Road Accident


Jamnagar Road Accident: જામનગર જિલ્લાના જોડિયાના બાલંભા ગામના પાટીયા પાસે આજે (17મી ફેબ્રુઆરી) વહેલી સવારે એક ટ્રક ચાલકે મહિલા પદયાત્રીઓને અડફેટે લીધી હતી. દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી સાંતલપુરના બકુત્રા ગામની ત્રણ મહિલાઓ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સમગ્ર મામલે જોડિયા પોલીસ તપાસ શરૂ કરી છે. 

ટ્રક કાળ બનીને આવી

મળતી માહિતી અનુસાર, સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામની આઠ મહિલાઓ પદયાત્રા કરીને દેવભૂમિ દ્વારકાના જગત મંદિર શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને જોડિયાના બાલંભા ગામના પાટિયા નજીક વહેલી સવારે 4:30 કલાકે અકસ્માત નડ્યો હતો. પાછળથી એકદમ પૂર પાટ ઝડપે આવી રહેલા કાળમુખી ટ્રક ચાલકે આઠ પદયાત્રી મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં 50 વર્ષીય છાનુબેન આહીર, 50 વર્ષીય રુડીબેન આહીર અને 45 વર્ષીય સેજીબેન આહીરનું ઘટનાસ્થળે મૃત્યું નિપજ્યું હતું. જ્યારે અન્ય 5 પદયાત્રી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સધન સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયો પર સંકટના વાદળો, 1 એપ્રિલથી નવી પોલિસી અમલમાં મૂકાતા ઘર ખરીદવું થશે મુશ્કેલ


અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર

આ અકસ્માત બાદ ટ્રકનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતના બનાવની જાણ થતાં જોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણે મહિલાઓના મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતને લઈને સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામમાં ભારે ગમગીની છવાઈ છે.

અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

આ અકસ્માતના બનાવ અંગે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામની મહિલા નીતાબેન અરજણભાઈ બકુતરિયાએ જોડીયા પોલીસ મથકમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનના ચાલકને જોડિયા પોલીસ શોધી રહી છે.

કાળમુખી ટ્રકે દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મહિલાઓને અડફેટે લીધી, ત્રણના મોત 2 - image

Tags :