કુરિયરની ગાડીના ચોરખાનામાં સંતાડી માલ રાજકોટ લઈ જવાતો હતો
મધ્યપ્રદેશ - ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પર દાહોદ જિલ્લા પોલીસનું ચેકિંગ : ચૂંટણીમાં રૃપિયાનો ઉપયોગ થવાની શક્યતા હતી
દાહોદ,રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી ૭૫ લાખની આશરે ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડની રોકડ સહીત ૨.૧૯ કરોડનો મુદ્દામાલ પકડી પાડયો છે. આ સાથે ઉત્તર પ્રદેશના ચાલક સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે મધ્યપ્રદેશ - ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ કર્યું ત્યારે ઓજસ સ્પીડ કુરિયર કંપનીની બોલેરો કેમ્પર ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચ ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા (ઉ.વ. ૪૦, રહે. ઝાંસી, પ્રેમ નગર થાનાની પાછળ ઝાંસી (યુ.પી.) તથા (૨) ડ્રાઈવરની બાજુમાં બેટેલા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા (ઉ.વ. ૪૫ રહે. ડરૃ ભોડેલા તા.જી. ઝાંસી)અને (૩) રાજુભાઇ શ્રીકાલિકા પ્રસાદ પટેલ (ઉં.વ.૪૫, ખેતીકામ રહે. ઉનાવ ગેટની બહાર , અંજની નગર, ઝાંસી)ની ધરપકડ કરી હતી. બંનેને પકડી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લવાયા હતા, અને ગુનો દાખલ કર્યો હતો.
ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપયોગ થવાની શક્યતા જણાઈ રહી છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.