સુરતના ડીંડોલીમાં લગ્ન પ્રસંગે ડી.જે. કાર્યક્રમ દરમિયાન હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, બે ઇજાગ્રસ્ત
Surat Firing Case : સુરતના ડીંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે કેક શોપના માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા તે પૈકીની બે ગોળી ત્યાં હાજર બે યુવાનને વાગતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરતના ડીંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલી સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે ડી.જે.નો કાર્યક્રમ ચાલતો હતો. તે દરમિયાન ત્યાં જ રહેતા અને ડેનીશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતા ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ઉમેશ તિવારી વિરુદ્ધ સંતોષ બધેલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતા અકસ્માતે ફાયરિંગ થયાનું ફરિયાદી એ જણાવ્યું હતું. જોકે, ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે.