અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું જપ્ત, મળ વિસર્જન માર્ગમાં સંતાડ્યું હતું સોનું
Ahmedabad Airport : અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે રૂ. 98,96,540ના મૂલ્યનું 1130 ગ્રામ સોનું મિક્સર ગ્રાઇન્ડરના પૂરજા તરીકે ફીટ કરીને ઘૂસાડવાનો પ્રયાસ કરનાર એક પેસેન્જરને આજે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. બીજા એક કેસમાં પણ રૂ. 823,29,471ના મૂલ્યનું 938.39 ગ્રમ સોનું પકડી પાડયું છે. ત્રીજા પેસેન્જર પાસેથી 951.07 ગ્રામ સોનું પકડી પાડવામાં આવ્યું હતું.
આમ આજે એક જ દિવસમાં કુલ મળીને રૂ. 2.60કરોડના મૂલ્યનું અદાજે બે કિલો સોનું પકડી પાડયું છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટ નંબર એસજી-16માં આ પેસેન્જર આવ્યો હતો. પેસેન્જરના સામાનની ચકાસણી કરવામાં આવતા તેની પાસેથી એક બ્રાન્ડડ મિક્સર બ્લેન્ડર મળી આવ્યું હતું. આ મિક્સર-બ્લેન્ડરનું વજન નોર્મલ મિક્સર કરતાં વધુ જણાતા અધિકારીએ તેની વિશેષ ચકાસણી કરી હતી. મિક્સરના નીચેના હિસ્સામાં આવેલી મોટરનો હિસ્સો નોર્મલ કરતાં વધુ વજનદાર જણાતા ચકાસણી કરવામાં આવી હતી.
આ મિક્સર બ્લેન્ડરની વધુ તપાસ કરવામાં આવતા મોટરના હિસ્સામાં સોનું મૂકવા ઉપરાંત એક લંબગોળ સિલિન્ડર જેવા આકારનોકાળા રંગનો ગઠ્ઠો પણ મળી આવ્યા હતો. તેની અંદર પણ સોનું છુપાડવામાં આવેલું હતું. આ રીતે પકડી પાડવામાં આવેલું સોનું અંદાજે 1130 ગ્રમ હતું. પેસેન્જરને પકડી પાડીને સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. પેસેન્જર રાજસ્થાનના ચિતોડગઢનો રહેવાસી છે.
અમદાવાદના એર ઇન્ટેલિજન્ટ યુનિટના અધિકારીઓએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહયોગમાં આજે રૂ. 82,18,420ના મૂલ્યનું બીજું 938.39 ગ્રામ સોનું પણ પકડી પાડયું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટિલિજન્સના સહકારથી આ સોનું પકડી પાડયું છે. અબુધાબીથી અમદાવાદ અને શારજાહથી અમદાવાદ આવતા બે પેસેન્જરના એર પોર્ટ પર જ ઝડપી લેવામાં આવ્યા હતા.
અબુધાબીથી ફ્લાઈટ નંબર 3એલ 111 અને શારજાહથી ફ્લાઈટ નંબર જી9 418માં બંને પસેન્જર આવ્યા હતા. બંને પેસેન્જરના મળ વિસર્જન માર્ગમાંથી સોનું કાઢવામાં આવ્યું હતું. એક પેસેન્જર પાસેથી 951.07 ગ્રામ અને બીજા પેસેન્જર પાસેથી 938.39 ગ્રામ સોનું પકડી પાડયું હતું. બંને પેસેન્જર પાસેથી થઈને 1.65 કરોડના મૂલ્યનું સોનું પકડી પાડવામાં આવ્યું હતું.